Wednesday, May 1, 2024
More
    હોમપેજગુજરાતપોલીસ સાથે ઝપાઝપી કરી, ગાળો ભાંડી, મહિલા કર્મચારીને તમાચો મારી દીધો....: વડોદરામાં...

    પોલીસ સાથે ઝપાઝપી કરી, ગાળો ભાંડી, મહિલા કર્મચારીને તમાચો મારી દીધો….: વડોદરામાં અડધી રાત્રે નશાની હાલતમાં મહિલાએ જાહેર રસ્તા પર ઉત્પાત મચાવ્યો, વિડીયો વાયરલ

    માહોલ તંગ બનતાં વધારાની પોલીસ ફોર્સ બોલાવાઇ હતી પરંતુ તેમની સાથે પણ મહિલાએ નશાની હાલતમાં એવું જ વર્તન કર્યું હતું અને ખુલ્લેઆમ ગાળો ભાંડીને તેમની સાથે માથાકૂટ કરી હતી. 

    - Advertisement -

    વડોદરાની એક મહિલાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જે નશાની હાલતમાં અડધી રાત્રે શહેરના જાહેર માર્ગ પર ધમાલ મચાવતી જોવા મળે છે. તેણે પોલીસ કર્મચારીઓ સાથે ઝપાઝપી કરીને તેમને ગાળો ભાંડી હતી તો હાજર એક મહિલા પોલીસકર્મીને તમાચો પણ મારી દીધો હતો. 

    વાયરલ વિડીયોમાં મહિલા નશાની હાલતમાં હોવાનું સ્પષ્ટ નજરે પડે છે. પ્રાથમિક જાણકારી અનુસાર, કાર લઈને જતી આ યુવતીને પોલીસે ચેકિંગ દરમિયાન અટકાવતાં તે ધીંગાણે ચડી હતી. માહોલ તંગ બનતાં વધારાની પોલીસ ફોર્સ બોલાવાઇ હતી પરંતુ તેમની સાથે પણ મહિલાએ નશાની હાલતમાં એવું જ વર્તન કર્યું હતું અને ખુલ્લેઆમ ગાળો ભાંડીને તેમની સાથે માથાકૂટ કરી હતી. (વીડિયોમાં અપશબ્દો છે.)

    વીડિયોમાં યુવતી એક કાળા રંગની કારમાં બેઠેલી જોવા મળે છે, આસપાસ ઉભેલા પોલીસકર્મીઓ અને સ્થાનિકો તેને નીચે ઉતરવા માટે કહે છે પરંતુ તે કારમાં બેસીને જ ગાળો ભાંડવાનું શરૂ કરી દે છે. ત્યારબાદ એક મહિલા પોલીસકર્મીની મદદ લેતાં તેઓ તેની નજીક જાય છે પરંતુ યુવતી તેમને પણ ગાંઠતી નથી અને ઝપાઝપી પર ઉતરી આવે છે. ત્યારબાદ પોતાનો મોબાઈલ ફોન કાઢીને પોલીસ અધિકારીઓનો વિડીયો બનાવવા માંડે છે. 

    - Advertisement -

    ના પાડવા છતાં વિડીયો બનાવવાનું ચાલુ જ રાખતાં મહિલા પોલીસકર્મીએ યુવતી પાસેથી તેનો ફોન આંચકી લીધો હતો અને ગાડીમાંથી નીચે ઉતરવા માટે કહ્યું હતું. પરંતુ મહિલા માની નહીં અને ગાળાગાળી ચાલુ રાખી હતી. આખરે પોતાનો ફોન લેવા માટે નીચે આવીને મહિલા પોલીસકર્મી તેમજ અન્ય અધિકારીઓ સાથે માથાકૂટ કરવાની શરૂ કરી હતી, જેથી મહિલા કર્મચારીએ મોબાઈલ ફોન પુરૂષ પોલીસ અધિકારીને આપી દીધો હતો. નશાની હાલતમાં મહિલા પોલીસ કર્મચારી તરફ ધસી જાય છે અને ઝપાઝપી કરીને મોબાઈલ આંચકી લે છે. આ દરમિયાન પોલીસ કર્મચારી તેને વારંવાર વિનંતી કરતા જોવા મળે છે કે તે તેમને સ્પર્શ ન કરે અને દૂરથી જ વાત કરે, પરંતુ તે માનતી નથી. દરમ્યાન, પોલીસે તેની પાસે તેના પરિજનોના કોન્ટેક્ટ નંબર પણ માગ્યા હતા, પરંતુ તે સભાનપણે કશું વિચારી શકે એવી હાલતમાં દેખાતી ન હતી. (વીડિયોમાં અપશબ્દો છે.)

    ફોન આંચકી લીધા બાદ મહિલા પોલીસ કર્મચારીઓને ગાળો ભાંડીને અભદ્ર ઈશારા પણ કરતી જોવા મળે છે અને ફરી પોતાના વાહનમાં જઈને બેસી જાય છે. આ સમગ્ર ઘટનાઓ કેમેરામાં કેદ થઇ ગઈ હતી. આખરે વધારાનો મહિલા પોલીસ સ્ટાફ બોલાવીને તેને પોલીસ વાહનમાં બેસાડવામાં આવી હતી. જોકે, અહીં પણ તેણે એક મહિલા પોલીસ કર્મચારી સાથે માથાકૂટ કરીને તેમને ગાલ પર તમાચો મારી દીધો હતો. જોકે, પોલીસ કર્મચારીઓએ સંયમ જાળવીને કોઈ ઉગ્ર પ્રતિક્રિયા આપી ન હતી. 

    આખરે પોલીસ મથકે લાવીને તેનું નામઠામ પૂછવામાં આવતાં પોતાનું નામ મોના હિંગુ હોવાનું અને વડોદરાની જ રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે બ્રીફ એનેલાઇઝરથી તપાસ કરતાં આલ્કોહોલનું પ્રમાણ વધુ મળી આવ્યું હતું, ત્યારબાદ તેની સામે ‘ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ’ બદલ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જ્યારે એ જ પોલીસ મથકે તેની સામે વધુ એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં પોલીસ કર્મચારીઓ સાથે મારામારી, ઝપાઝપી કરી, ગંદી ગાળો બોલીને ફરજમાં અડચણ ઉભી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ફરિયાદના આધારે તેની સામે IPCની કલમ 294(b), 332 અને 186 હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી લેવામાં આવી હતી. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મહિલા એક બર્થડે પાર્ટીમાં ગઈ હતી અને ત્યાંથી દારૂ પીને આવી હતી. હાલ આ મામલે વધુ તપાસ ચાલી રહી છે. બીજી તરફ, સોશિયલ મીડિયા પર વડોદરાની આ મહિલાના વિડીયો ઝડપથી ફરી રહ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં