Business

સુરતનું પત્રકારત્વ: વર્તમાનપત્રોનો ઉદય અને વિકાસ

વર્તમાનપત્ર, વૃત્તપત્ર, સમાચારપત્ર, ચોપાનિયું, છાપું અને અખબાર જેવા ગુજરાતી શબ્દો એક જ વસ્તુનાં જુદાં જુદાં નામો છે. ‘અખબાર’ અરબી શબ્દ છે અને તેનો અર્થ ‘ખબર’ થાય છે. કાગળ ઉપર ખબરો અથવા તો સમાચારો છાપીને લોકો સુધી પહોંચાડવાનો તેનો હેતુ છે. કોઇ પણ અખબારનો હેતુ સ્થાનિક, પ્રાદેશિક ઉપરાંત દેશવિદેશમાં રોજબરોજ બનતા બનાવો છાપવા ઉપરાંત જાહેરાતો, લેખો, અગ્રલેખો, વાર્તાઓ, ટૂચકાઓ, ચિત્રો અને ફોટોગ્રાફો દ્વારા હજારો અને લાખો વાચકોનાં મન અને હૃદયને ઢંઢોળવાનો તથા પ્રજાનું ચારિત્ર્ય ઘડતર કરવાનો છે. તેથી છાપાનાં માલિક, તંત્રી, ટેક્નિશ્યન, કંપોઝર તથા કટારલેખકોએ ખૂબ જાગ્રત રહેવું પડે છે. તેઓ જેટલા ક્રિએટીવ તથા ઇનોવેટીવ તેટલું તેમનું છાપું પણ લોકપ્રિય. છાપાના માલિકો પણ કાગળની તેમ જ પ્રિન્ટીંગ ટેકનોલોજીની કવોલિટીમાં સુધારાઓ કરીને પ્રજાની પ્રશંસા પ્રાપ્ત કરતા હોય છે. આ ધંધો અત્યંત સંવેદનશીલ તેમ જ કોમ્પિટિટિવ છે. સુરત નગરે તે આબાદ રીતે વિકસાવ્યો છે.

મુઘલ સમયમાં જયારે આ દેશમાં છાપખાનાં શરૂ થયાં નહોતાં ત્યારે સુરતમાં કોટવાલ ડાંડીથી ઢોલ પીટાવીને, બ્યુગલ વગાડીને તથા ‘ખબરદાર’ શબ્દનો જોરથી ઘાંટો પાડીને રાતે લોકોને ચોરના ભયથી સાવધ કરતો. ‘ખબરદાર’ શબ્દ દ્વારા તે રાજયના મૌખિક ખબરપત્રીની ગરજ સારતો! ૧૬૬૬ માં સુરતની મુલાકાત લેનાર ફ્રેન્ચ મુસાદર જીન-દ-બેયેનોએ લખ્યું છે કે કોટવાલ અને તેના માણસો રાતે સુરતની શેરીઓમાં ઘૂસીને લોકોને ‘ખબરદાર’ રહેવાનું કહે છે. મધ્યકાલીન સુરતનું આ મૌખિક પત્રકારત્વ હતું. ત્યાર બાદ નર્મદે જયારે ૧ સપ્ટેમ્બર ૧૮૬૪ ના રોજ એનું સાપ્તાહિક શરૂ કર્યું ત્યારે તેને ‘ડાંડિયો’ નામ આપ્યું હતું. ‘ડાંડિયો’ના પ્રથમ અંકમાં નર્મદે છાપ્યું હતું: ‘ડમ ડમ ડમ ડમ ડમ ડમ – જાગજો રૈયત બાર વાગ્યા બાર.’ છેક અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબના સમયથી સુરતમાં આ પ્રકારની દાંડી પીટવામાં આવતી હતી. મુઘલ યુગનો કોટવાલ એટલે આજની પરિભાષામાં રાજય ને નગરનો ખબરપત્રી! એ દાંડિયાથી ઢોલ પીટીપીટીને ‘જાગતે રહો’ની બૂમો પાડતો હતો: નર્મદે ખૂબ વિચારીને એના પત્રનું નામ ‘ડાંડિયો’ પાડયું હતું.

આજે તો ઇન્ફોર્મેશન ટેકનોલોજી તેમ જ પ્રિન્ટિંગ ટેકનોલોજી કયાંની કયાં પહોંચી ગઇ છે. મોબાઇલ, કોમ્પ્યુટર અને ઇન્ટરનેટે કમાલ કરી છે. તેમ છતાં આજે પણ દુનિયાભરનાં લોકો સવારે અખબાર વાંચે જ છે. ભણેલા લોકોને સવારે જેટલો વળગાડ ચાનો હોય છે તેટલો જ છાપાનો હોય છે. જોગાનુજોગ સમગ્ર ભારતમાં ચાનું પીણું સૌ પ્રથમ ઇન્ટ્રોડયુસ કરનાર સુરત હતું. તેનો કરોડપતિ વેપારી વીરજી વોરા ૧૬૩૬ માં આંતરરાષ્ટ્રીય સ્તરે ચાનો વેપાર કરતો હતો. સુરત તો રસિકજનોની ભૂમિ છે. સુરતી પ્રજા સમાચાર અને ગપસપની શોખીન છે. વળી તમામ ગુજરાતી છાપાંઓ સમાચારો અને વગદાર અગ્રલેખો તથા કોલમો ઉપરાંત વાચકોને મોજ પડી જાય તેવા સમાચારો પ્રેમથી ઘારી અને ભૂસુંની જેમ પીરસે છે. જેમ કે સાયબર ક્રાઇમ, સાયબર ગડીયા, ઓનલાઇન છેતરપિંડી, ચોરી, લૂંટફાટ, ખૂન, બળાત્કાર, સેકસ કૌભાંડ અને લવ-જેહાદ જેવા સમાચાર ચગાવે છે અને તે લોકમાનસ હોંશેહોંશે માણે છે! એકલા ગંભીર સમાચાર તથા લેખો દ્વારા જ કોઇ પણ છાપું આજે ચાલી શકે નહીં. મનોરંજન જોઇએ જ. ખરેખર તો ચાની જેમ અખબાર પણ એક નશીલો પદાર્થ છે! જો આપણે તેનો ઉપયોગ ના કરીએ તો સવાર બગડી જવાની લાગણી થઇ આવે છે. ચાની જેમ અખબારની શરૂઆત કરવાનો સૌ પ્રથમ પ્રયાસ સુરતે કર્યો હતો. તે કરનાર સુરતનો પુષ્ટિમાર્ગી વેપારી ભીમજી પારેખ હતો.

ભીમજી પારેખ (૧૬૧૦-૧૬૮૦)…

તે સમયે સુરત આંતરરાષ્ટ્રીય બંદર હોવાથી તેનો વ્યાપારી સંબંધ યુરોપ સાથે હતો. ૧૬મા સૈકામાં યુરોપમાં પ્રિન્ટિંગ ટેકનોલોજી શરૂ થઇ ગઇ હતી. ભીમજી પારેખ ઇંગ્લીશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો દલાલ હોવાથી તેના મનમાં વિચાર ઝબૂકયો કે જો આપણે લંડનથી સૂરતમાં પ્રિન્ટિંગ ટેકનોલોજી ટ્રાન્સફર કરીએ તો સમગ્ર દેશને લાભ થાય તેમ છે. તેથી તેણે લંડનના પ્રિન્ટિંગ ટેકનોલોજીસ્ટ હેન્રી હીલ્સનો સંપર્ક કર્યો અને તેને ૧૬૭૨માં સુરત બોલાવ્યો. એ પ્રિન્ટિંગનાં સાધનો સાથે સુરત આવ્યો અને ગુજરાતી અક્ષરો કોતર્યા. પણ કોઇ અગમ્ય કારણોસર તે ઇંગ્લેન્ડ ભેગો થઇ જતાં ભીમજીનો પ્રોજેકટ સફળ થઇ ના શકયો. ગમે તેમ તો પણ ભારતમાં મુદ્રણાલયનાં મૂળિયાં રોપનાર ભીમજી પારેખ હતા.

ફરદુનજી મર્ઝવાનજી (૧૭૮૭-૧૮૪૭)…

ભીમજી બાદ પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપવાનો પ્રયાસ કરનાર પણ સુરતી જ હતો. ગુજરાતી ભાષાનું સૌ પ્રથમ અખબાર ‘મુંબઇ સમાચાર’ સ્થાપનાર પારસી આન્ત્રપ્રન્યોર ફરદુનજી મર્ઝવાનજી સુરતમાં જન્મ્યા અને ઉછર્યા હતા. એમના પિતા મર્ઝવાનજી ગુજરાતી ઉપરાંત અંગ્રેજી અને ફારસી ભાષાઓ જાણતા હતા. ફરદુનજી પણ આ ભાષાઓ ઉપરાંત સંસ્કૃત ભાષા શીખ્યા. ૧૮૦૦ માં તેઓ નસીબ અજમાવવા મુંબઇ ગયા અને ‘બોમ્બે કુરિયર’ નામના અખબારમાં કંપોઝીટર (બીબાં ગોઠવનાર) અને પ્રિન્ટર તરીકે કામ કરતા બહેરામજી જીજીભાઇ છાપગરના (૧૭૫૪-૧૮૦૪) સંપર્કમાં આવ્યા. બહેરામજી સુરતમાં જન્મ્યા અને ઉછર્યા હતા. તેઓ ૧૭૯૨ માં મુંબઇ ગયા, સને ૧૭૯૭ માં શરૂ થયેલા ‘બોમ્બે કુરિયર’માં જોડાયા.

તે અંગ્રેજી છાપું હોવા છતાં કેટલીક જાહેરાતો ગુજરાતીમાં છપાતી હતી જેમ કે ૧૭૯૮ ના માર્ચમાં એક સરકારી જાહેરાત ગુજરાતી ભાષામાં છપાઇ હતી. તેના કંપોઝર બહેરામજી છાપગર હતા. આ જોઇને ફરદુનજીને ગુજરાતી પ્રેસ સ્થાપવાનો વિચાર આવ્યો. ૧૮૧૨માં કોટ વિસ્તારમાં ‘ગુજરાતી છાપખાનું’ શીર્ષક હેઠળ તે સ્થાપ્યું. ગુજરાતી ટાઇપો પોતે તૈયાર કર્યા અને અગાઉ જે કામ ભીમજી પારેખે સુરતમાં કરાવ્યું હતું તેવું કામ ફરદુનજીએ મુંબઇમાં કર્યું. એમણે ગરમ લોઢા પર અક્ષરો કોતર્યા. તાંબાની તકતીઓ ઠોકી અને સીસામાં ટાઇપો બેસાડયા.

૧૮૧૪ માં એમણે ‘ગુજરાતી પંચાંગ’ છાપ્યું અને ૧૮૨૨ માં ગુજરાતી ભાષાનું પહેલું અખબાર ‘મુંબઇ સમાચાર’ શરૂ કર્યું. તે અઠવાડિક હતું. ૧૮૩૨ થી તે દૈનિક બન્યું. ૧૮૫૭ ના બળવાના સમાચાર રોજ પ્રસિધ્ધ કરીને ફરદુનજી સુરત, નવસારી, વલસાડ, વડોદરા અને અમદાવાદ સુધી પહોંચી ગયા.

છાપખાનાની સુરતમાં શરૂઆત…

સુરત એટલે તો જાણે કોસ્મોપોલિટન મુંબઇનું એકસ્ટેન્શન. મુંબઇ નગરની બધી જ ફેશન સૌ પ્રથમ સુરતમાં આવતી હતી. આજની જેમ તે સમયે પણ સેંકડો સુરતીઓ મુંબઇમાં અવરજવર કરતા હતા. ૧૮૬૪ માં રેલવે મારફત સુરત મુંબઇ સાથે જોડાતાં સુરતની કાયા પલટાઇ ગઇ. સુરતમાં સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપનાર લંડન મિશનરી સોસાયટીના ધર્મગુરુ વિલિયમ કાઇબી અને સુરતના લુહારો જીવણ લુહાર અને કાળુ લુહાર હતા. આ સુરતી લુહારોએ ૧૮૩૫ માં તેમની ફાઉન્ડ્રીમાં લોખંડનાં પતરાં ઉપર ૧૨ પોઇન્ટનાં બીબાં કોતર્યાં અને તેમાંથી સરળ ગુજરાતી ભાષામાં સંક્ષિપ્ત બાઇબલ બનાવ્યું. તે સમયે અમેરિકન મિશન પ્રેસ પણ સુરતમાં કાર્યરત હતું. આ બન્ને મિશનોનો ઉદ્દેશ સુરતમાં ખ્રિસ્તી ધર્મ ફેલાવવાનો હતો પણ હિંદુઓ જાગૃત હોવાથી ખ્રિસ્તી મિશનરીઓ ફાવ્યા નહોતા. તે અરસામાં ઇચ્છારામ સૂર્યરામ દેસાઇએ મુંબઇમાં પ્રિન્ટિંગ પ્રેસ સ્થાપીને ‘ગુજરાતી’ નામનું પાક્ષિક શરૂ કર્યું હતું. 1880માં શરૂ થયેલ આ પાક્ષિક મુંબઇ તેમ જ સુરતની ઘટનાઓ પ્રસિધ્ધ કરતું હતું. ભીમજી પારેખથી શરૂ કરીને 1907માં સુરતમાં ‘શકિત’ નામનું તિલકવાદી/ઉદ્દામવાદી અખબાર શરૂ થયું ત્યાં સુધીની વિરલ હકીકતો ઇચ્છારામ દેસાઇએ સ્થાપેલ ‘ગુજરાતી’ અખબારના 1912ના દિવાળી અંકમાં છપાઇ છે અને તેનું શીર્ષક ‘ગુજરાતી મુદ્રણની શતવર્ષી’ છે. સુરતના પત્રકારાત્વના ઇતિહાસમાં 1912નો આ લેખ શકવર્તી છે. સંશોધક માટે તે માહિતીની ખાણ સમાન છે. ઇચ્છારામે ‘ગુજરાતી’ દ્વારા મુંબઇને સુરત તથા દક્ષિણ ગુજરાત સાથે જોડયું હતું.

સુરતનું પત્રકારત્વ અને સમાજ પરિવર્તન…

જીવન લુહાર અને કાળુ લુહારે 1835માં સ્થાપેલા છાપખાનાં બાદ 1842માં દુર્ગારામ મહેતાજી, દિનમણિશંકર અને દલપતરામ દામોદરદાસે સુરતમાં ગુજરાતી ‘પુસ્તક પ્રસારણ મંડળી’ સ્થાપી. તેમણે મુંબઇથી શીલાછાપ પ્રેસ મંગાવ્યું અને સમાજ સુધારાની શરૂઆત કરી.

તે જ વર્ષે (1842) રુસ્તમજી મેરવાનજી નામના એક પારસીએ રુસ્તમપુરામાં સીસાનાં બીબાંનું કારખાનું સ્થાપ્યું. ત્યાર પછી તો સુરતમાં રાજકીય અને સામાજિક ચેતના ઝડપથી પ્રગટ થઇ. સુરતની પ્રજાના મિજાજે એક નવો જ વળાંક લીધો. 1844માં દુર્ગારામે ‘માનવ ધર્મસભા’ નામની સંસ્થા સ્થાપીને સમાજમાં પ્રવર્તતા વહેમ, અંધશ્રધ્ધા, ભૂતપ્રેત અને ધર્મગુરુઓની લંપટતા સામે જેહાદ શરૂ કરી. તે પહેલા 1842માં સુરતમાં સરકારી અંગ્રેજી હાઇસ્કૂલ શરૂ થઇ ચૂકી હતી. 1850માં સૂરતમાં 17 પ્રાથમિક શાળાઓ અને ત્રણ હાઇસ્કૂલો કાર્યરત હતી. વળી તે જ વર્ષે (1850) સુરતમાં એન્ડ્રુસ લાઈબ્રેરી સ્થપાઇ હતી. 1852માં સુરત મ્યુનિસિપાલિટી સ્થપાઇ હતી. આમ એક તરફ સુરતમાં પ્રિન્ટિંગ પ્રેસ અને આધુનિક શિક્ષણનો ઉદય થયો હતો અને બીજી તરફ બ્રિટિશ શાસનની દમનનીતિ વધતી ગઇ હતી.

જેમ કે મુંબઇ સરકારે 1844માં પસાર કરેલો મીઠા ઉપરનો વેરો, 1848માં પસાર કરેલો બંગાળી તોલમાપનો કાયદો, 1860માં પસાર કરેલો આવકવેરો અને 1878માં પસાર કરેલો લાયસન્સ ટેક્સ. 1857માં તો કંપની સરકાર સામે હિંસક વિસ્ફોટ થયો હતો. આવા સંજોગોમાં સુરતની પ્રજાએ અંગ્રેજ સરકાર સામે સત્યાગ્રહો કર્યા હતા તેમ જ હિંસક બંડો પણ કર્યાં હતાં. સુરતીઓની ભાવનાને વાચા આપવા સુરત શહેરમાં જે પહેલ થઇ તે સુરતના પત્રકારત્વના ઇતિહાસના શિરતાજરૂપ છે. સુરતના પત્રકારત્વે નવો રાજકીય અને સામાજિક વળાંક લીધો હતો. સાંસ્થાનિક શાસને શરૂ કરેલી દમનનીતિને પરિણામે ઊભી થયેલી ચેલેન્જ સુરતનાં અખબારોએ ઉપાડી લીધી હતી. તેની પહેલ કરનાર ‘ગુજરાતમિત્ર’ હતું જે અત્યારે આપ વાંચી રહ્યા છો. તેનું પૂરું નામ ‘ગુજરાતમિત્ર અને ગુજરાત દર્પણ’ છે. તેનો પણ એક ઇતિહાસ છે. 1888માં હરિલાલ હર્ષદરાય ધ્રુવ, હોરમસજી અને જેકિસનદાસ લલ્લુભાઇએ ‘ગુજરાત દર્પણ’ નામનું પત્ર શરૂ કર્યું હતું. તે 1894માં ‘ગુજરાતમિત્ર’ સાથે જોડાતાં તેને આ નવું નામ મળ્યું હતું.

‘ગુજરાતમિત્ર’ (1863):

‘ગુજરાતમિત્ર’ સમાજ પરિવર્તનનું એક પ્રભાવક બૌધ્ધિક સાધન હતું. 1857-58ના બળવાના માત્ર છ- સાત વર્ષ બાદ જયારે તે 1863માં શરૂ થયું ત્યારે તેનું નામ ‘સૂરતમિત્ર’ હતું અને તે દીનશા અરદેશર તાલિયારખાન નામના નિર્ભીક પત્રકારે 15 સપ્ટેમ્બર 1863ના રોજ શરૂ કર્યું હતું પણ એક જ વર્ષમાં 11 સપ્ટેમ્બર 1864થી તે ‘ગુજરાતમિત્ર’ બન્યું. દર રવિવારે પ્રગટ થતું ‘ગુજરાતમિત્ર ત્યારે સાપ્તાહિક હતું. શરૂઆતથી જ તેણે દેશી રજવાડાંઓ સામે લડત ઉપાડી હતી. 1870માં તાલિયારખાને તંત્રીપદેથી રાજીનામું આપતા મંછારામ ઘેલાભાઇ અને કીકાભાઇ પરભુદાસ જેવા 15 માણસોની બનેલી એક કંપનીએ તે ખરીદી લીધું. તેમાં નવા તંત્રી કીકાભાઇ પરભુદાસ હતા.

તેઓ લોકમાન્ય તિલકની જેમ ઉદ્દામવાદી વિચારો ધરાવતા હતા. વળી કીકાભાઇ અને મંછારામે 1873ના મે મહિનામાં ‘દેશીમિત્ર’ નામના સાપ્તાહિકની શરૂઆત કરી. આ રીતે ‘ગુજરાતમિત્ર’ અને ‘દેશીમિત્ર’ એ મૈત્રીભાવ કેળવ્યો અને તેની સાથે જ આ બંને અખબારોએ આવકવેરા તથા લાયસન્સ ટેક્સની એવી તો આકરા શબ્દોમાં ટીકા કરી કે એપ્રિલ 1878માં સુરતની પ્રજાએ અંગ્રેજ સરકાર સામે વ્યવસ્થિત રીતે બંડ પોકાર્યું.

તેમાંથી સુરત રાયટ કેસ ઊભો થયો. તેથી સરકારે મંછારામ અને કીકાભાઇની અને તેની સાથે સુરતમાં ‘સ્વતંત્રતા’ અખબાર છાપનાર ઇચ્છારામ સૂર્યરામ દેસાઇની ધરપકડ કરી અને આ ત્રણેય અખબારો જપ્ત કર્યાં. જો કે મુંબઇના બેતાજ બાદશાહ અને વકીલ ફિરોજશાહ મહેતા તેમના વતી કેસ લડયા. આ ત્રણે તેજસ્વી પત્રકારો કેદમાંથી મુકત થતાં સુરતની પ્રજાએ તા. 23 સપ્ટેમ્બર 1878ના રોજ તેનો ઉત્સવ મનાવ્યો. ‘ગુજરાતમિત્રે’ સ્વરાજય, લોકશાહી અને લોકતંત્રનો અવાજ બુલંદ કર્યો હતો.

1893માં ‘ગુજરાતમિત્ર’ હોરમસજી ફરદૂનજી ડોકટર નામના પારસીએ ખરીદી લીધું પણ 1894માં તેમનું અવસાન થતાં તે હોરમસજી જમશેદજી નામના પારસી પત્રકારે ખરીદી લીધું. તે સમયથી ઉત્તમરામ ઉમેદરામ રેશમવાળા ‘ગુજરાતમિત્ર’માં ઉપતંત્રી તરીકે જોડાયા અને ત્યારથી આજ દિન સુધી તેનું સંચાલન રેશમવાળા કુટુંબ કરે છે. 1929માં ઉત્તમરામ રેશમવાળાનું અવસાન થતાં તેમના મોટા પુત્ર ચંપકલાલ ‘ગુજરાતમિત્ર’ના તંત્રી બન્યા.

તેમણે 19 નવેમ્બર 1936ના રોજ ‘ગુજરાતમિત્ર’ને સાપ્તાહિકમાંથી દૈનિક અખબાર બનાવ્યું. પરંતુ 1937માં તેમનું અવસાન થતાં તંત્રી અને માલિકીપદની જવાબદારી તેમના લઘુબંધુ પ્રવીણકાન્ત રેશમવાળાને શિરે આવી. તે સમયે તેમની વય માંડ વીસ વર્ષની હતી. તેમણે હિંમત, પુરુષાર્થ અને દીર્ઘદ્રષ્ટિથી ‘ગુજરાતમિત્ર’ને ગુજરાતનું સર્વપ્રિય, સર્વમાન્ય મુખપત્ર બનાવ્યું. 1977માં ભરતભાઇ રેશમવાળા ‘ગુજરાતમિત્ર’ના વ્વયસ્થાપક તંત્રી બન્યા અને વિખ્યાત પત્રકાર તથા સાહિત્યકાર સદ્‌ગત ભગવતીકુમાર શર્મા સહાયક તંત્રી બન્યા. ભગવતીકુમારના શબ્દોમાં:

‘ગુજરાતમિત્ર’ની પ્રતિષ્ઠા એક તટસ્થ રચનાત્મક દ્રષ્ટિબિંદુ ધરાવતા વર્તમાનપત્ર તરીકેની રહી છે. સુરતના સર્વતોમુખી વિકાસમાં તેનું મહત્ત્વનું યોગદાન રહયું છે. રેશમવાળા પરિવારે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને આપેલા દાનમાંથી ‘પ્રવીણકાન્ત રેશમવાળા ઇન્સ્ટિટયૂટ ઓફ જર્નાલિઝમ’ની સ્થાપના થઇ છે. ‘ગુજરાતમિત્રે’ તેના સંનિષ્ઠ સેવક સદ્‌. બટુકભાઇ દીક્ષિત વ્યાખ્યાનમાળાનું પણ વાર્ષિક આયોજન કર્યું છે. લોકઘડતર કરતા અખબાર તરીકેની પ્રતિષ્ઠા ‘ગુજરાતમિત્રે’ પ્રાપ્ત કરી છે.’’

સુરતના પત્રકારત્વના ઇતિહાસમાં ‘ગુજરાતમિત્ર’ (1863), ‘દેશીમિત્ર’ (1873) અને ‘સ્વતંત્રતા’ (1878) જેવા 19મા સૈકામાં સ્થપાયેલાં અખબારોએ પાયાનું કામ કર્યું હતું. ‘સ્વતંત્રતા’ના સ્થાપક સુરતના મહાન પત્રકાર અને સાહિત્યકાર ઇચ્છારામ સૂર્યરામ દેસાઇ હતા. ઇચ્છારામે વળી નર્મદની મદદથી 1880માં મુંબઇમાં ‘ગુજરાતી’ નામનું સાપ્તાહિેક શરૂ કર્યું. મુંબઇમાં શરૂ થયેલું આ અખબાર સુરત અને દક્ષિણ ગુજરાતને જોડતું હતું. આવતા અંકમાં તેની વાત કરીશું.

Most Popular

To Top