ગાંધીનગરના પાઠ્ય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખના પુસ્તકોની ચોરી થઈ

PC: Google Maps

સુરક્ષિત ગુજરાતની વાત કરતી સરકારના કેટલાક વિભાગના ગોડાઉનમાં પણ સરકારી માલ સામાન પણ સુરક્ષિત નથી કારણ કે, અનાજ અને અન્ય કીમતી વસ્તુઓ તો ઠીક પણ હવે તો સરકારના ગોડાઉનમાંથી લાખો રૂપિયાના પાઠ્ય પુસ્તકની ચોરી થઇ રહી છે અને આ ચોરી બીજે ક્યાય નહીં પણ જે જગ્યા પરથી ગુજરાતના વિકાસની રણનીતિઓ તૈયાર કરવામાં આવે છે, તેવા ગાંધીનગરમાં થઇ છે. આ સમગ્ર મામેલ પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા ઘટનાના એક મહિનાના સમય પછી ગાંધીનગરના સેકટર 21 પોલીસ સ્ટેશનમાં લેખીતમાં એક અરજી આપવામાં આવી છે.

એક રિપોર્ટ અનુસાર ગુજરાત પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા છાપવામાં આવેલા અલગ-અલગ ધોરણના પાઠ્ય પુસ્તકોને સેક્ટર 25માં આવેલા પાઠ્ય પુસ્તકના ગોડાઉનમાં રાખવામાં આવે છે. ગત 8 નવેમ્બરના રોજ ગોડાઉનમાં જ્યારે પાઠ્ય પુસ્તકની ગણતરી કરવામાં આવી તે સમયે પાઠ્ય પુસ્તક મંડળના અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, આ ગોડાઉનમાંથી એક બે નહીં પણ 42 લાખ રૂપિયાના પુસ્તકોની ઘટ સામે આવી છે. પુસ્તકો ગાયબ થવાની ઘટનાની જાણ 8 નવેમ્બરના રોજ થઈ હોવા છતાં પણ પાઠ્ય પુસ્તક મંડળ દ્વારા 4 ડીસેમ્બરના રોજ સેક્ટર 21 પોલીસ સ્ટેશનમાં લેખિતમાં એક અરજી કરવામાં આવી છે.

આ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, પાઠ્ય પુસ્તક મંડળના ગોડાઉનમાંથી 42 લાખ રૂપિયાના પુસ્તકોની ચોરી કરવામાં આવી છે અને આ ચોરીમાં ત્રણ અધિકારીઓના સામેલ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. જે ત્રણ અધિકારીઓ પર શંકા વ્યક્ત કરવામાં આવી તે ત્રણેય અધિકારીઓ શિક્ષણ વિભાગમાં વગ ધરાવે છે અને ગોડાઉનની કામગીરી સાથે તેઓ સંકળાયેલા છે. મહત્ત્વની વાત એ છે કે, પાઠ્ય પુસ્તક મંડળના ગોડાઉનમાં એક પણ CCTV કેમરા લગાવામાં આવ્યા નથી. આ ઉપરાંત અરજીમાં સ્પષ્ટ પણે ઉલ્લેખ પણ નથી કરવામાં આવ્યો કે, ક્યાં ધોરણના પુસ્તકોની ચોરી થઈ છે અને ક્યારે થઇ છે. 

આ સમગ્ર મામલે પોલીસની તપાસમાં પછી જ જાણવા મળશે કે, આ પુસ્તકોની ચોરી કોના દ્વારા કરવામાં આવી છે. હાલ તો પોલીસ પણ પાઠ્ય પુસ્તક મંડળના ગોડાઉન સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ પર આશંકાઓ વ્યક્ત કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp