એ દેશની કહાણી જેને ગૅંગ્સ્ટરો પોતાના કબજામાં લેવા લોહિયાળ લડાઈ લડી રહ્યા છે

જિમી “બાર્બેક્યુ” શૉલજે, જૉનસન આંદ્રે ઉર્ફ ઈઝો અને ભૂતપૂર્વ બળવાખોર ગાય ફિલિપ

ઇમેજ સ્રોત, Reuters and youtube

  • લેેખક, વેનેસા બુશશ્લુએટર
  • પદ, બીબીસી ન્યુઝ ઑનલાઈન લેટિન અમેરિકા અને કૈરેબિયન એડિટર

એક પૂર્વ પોલીસ અધિકારી જે ઑટોમેટિક રાઇફલ સાથે રાખીને પ્રેસવાર્તા કરવાનુ પસંદ કરે છે. જ્યારે અન્ય એક યુવાન ગુનેગારને બળાત્કારના વીડિયોમાં ઍક્ટિંગ કરવી પસંદ છે. જોકે, તેમનો અસલી ધંધો હથિયારો અને ડ્રગ્સની દાણચોરીનો છે.

આ માત્ર એવા બે ગેંગ લીડરો છે, જેમને હૈતીના પાટનગર પોર્ટ-ઓ-પ્રિન્સમાં વધી રહેલી ઘટનાઓ માટે જવાબદાર ગણવામા આવે છે.

હૈતીમા ગુનાઓ એ હદે વધી ગયા છે કે તેને કારણે વડા પ્રધાન એરિયલ હેનરીએ રાજીનામું આપવું પડ્યું.

જો આ યાદીમાં આપણે જૂના વિદ્રોહીઓ ઉમેરી તો હમણાં જ અમેરિકાની એક જેલમાંથી એક વિદ્રોહી બહાર આવ્યો છે. અમેરિકાની જેલમાંથી મુક્ત કરાયેલ બળવાખોર નેતાનો ઇરાદો હૈતીના રાષ્ટ્રપતિ બનવાનો છે.

હૈતી દેશ આ સમયે રાજકીય અસમંજસમાં ફસાયેલો છે. ત્યાં એક વચગાળાની સરકાર રચવાની રાહ જોવામાં આવી રહી છે.

જિમી “બાર્બેક્યુ” શૉલજે

જિમી “બાર્બેક્યુ” શૉલજે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જિમી “બાર્બેક્યુ” શૉલજે

47 વર્ષીય જિમી એક પૂર્વ પોલીસ અધિકારી છે પરંતુ તેને હૈતીનો સૌથી તાકાતવર ગેંગ લીડર ન કહી શકાય. જોકે, હાલમાં ચાલી રહેલી રાજકીય ઊથલપાથલમાં તે સૌથી ચર્ચિત ચહેરો બનીને સામે આવ્યો છે.

તેને પત્રકારો સાથે વાતચીત કરવાનો શોખ છે. પત્રકારો સાથેની વાતચીત દરમિયાન તે બુલેટપ્રુફ જેકેટમાં જોવા મળે છે, જે હવે તેની ઓળખાણ બની ગઈ છે.

જિમી પૂર્વ વડા પ્રધાન એરિયલ હેનરીનો સૌથી મોટા વિરોધીઓમાંથી એક છે. જ્યારથી એરિયલ હેનરીએ વડા પ્રધાન પદની શપથ લીધા ત્યારથી જિમી તેમના રાજીનામાની માંગ કરી રહ્યો હતો.

જિમી પોતાને સામાન્ય રીતે એક એવી વ્યક્તિ તરીકે દર્શાવે છે કે જે સામાન્ય લોકોની અને સત્તાવિરોધી લડત ચલાવે છે.

જોકે, જિમી પર 2018માં થયેલા નરસંહારની આગેવાની કરવાના આરોપો લાગતા રહ્યા છે. તે ઘટનામાં સેંકડો લોકોને મારી નાખવામાં આવ્યા હતા. એ જ નહીં 2021માં વરેઉમા ઈંધણ ટર્મિનલની નાકાબંધી પાછળ પણ તેનો હાથ માનવામાં આવે છે.

જીવન જરૂરિયાતની વસ્તુઓની આપૂર્તિ કરતા લોકો પર જી9ના હમલાઓને કારણે હૈતીમાં જીવન જરૂરિયાતની વસ્તુઓની ભારે અછત થઈ રહી છે. આ કારણે દેશના ગરીબ લોકોને સૌથી વધારે નુકસાન ભોગવવું પડે છે. નાકાબંધીને કારણે હૈતીમાં ઈંધણની અછત થઈ જેને લીધે હૉસ્પિટલોને પોતાના જનરેટર ચલાવવામાં અને ગંભીર રીતે બીમાર લોકોને સારવાર આપવામાં ભારે તકલીફો પડી હતી.

પત્રકાર, લેખક અને યુનિવર્સિટી ઇન્સટીટ્યુટ ઑફ લિસ્બનમાં સંશોધક માઇકલ ડીબર્ટ હૈતી સાથે જોડાયેલા મામલાઓના જાણકાર છે.

તેમણે કહ્યું કે જિમી બાર્બેક્યુ ઘણી વખત દેશમાં ન્યાય અને સમાનતાવાળી વ્યવસ્થા કરવાની અસ્પષ્ટ માંગણીઓ કરતો રહ્યો છે. જોકે, આ સમગ્ર સ્થિતિની વિડંબણા એ છે કે પાટનગર પોર્ટ ઓ પ્રિન્સ અને તેની આસપાસના વિસ્તારોમાં સક્રિય હથિયારબંધ જૂથોએ લોકોને જીવતા નરક જેવી પરિસ્થિતિ ભોગવવા માટે મજબૂર કર્યા છે.

જિમીનો દાવો છે કે તેને પાટનગર પોર્ટ ઓ પ્રિન્સમાં અંદરો અંદર લોહીયાળ જંગ લડતી ગુનાહિત ગેંગોને એક ગઠબંધનના રૂપમાં એકઠી કરી છે. આ ગઠબંધનનું નામ “નામવિવ અનસાન્મ” (સાથે જીવો) રાખવામાં આવ્યું છે.

માઇકલ ડીબર્ટને લાગે છે કે આ સમયે જિમીને ગુનાહીત ગેંગોને એકઠી કરવાનું એક કારણ મળી ગયું છે. તેમણે કહ્યું કે તેઓ એક સાથે મળીને સત્તાનો આખો ઢાંચો તોડી રહ્યાં છે. જોકે, એ વાત મારી સમજમા નથી આવતી કે આમ કરીને તેઓ શું હાંસલ કરવા માંગે છે.

બાર્બેક્યુએ ગયા અઠવાડિયે ધમકી આપી હતી કે "જો એરિયલ હેનરી સત્તા પર પાછા ફરશે, તો દેશમાં ગૃહ યુદ્ધ થશે."

જોકે, એરિયલ હેનરીના રાજીનામાના સમાચાર પછી જિમી બાર્બેક્યુએ કોઈ નિવેદન આપ્યું નથી. જ્યારે એરિયલ હેનરીએ જણાવ્યું છે કે દેશમાં વચગાળાની પરિષદના ગઠનની સાથે જ તેઓ વડા પ્રધાનની ખુરશી છોડી દેશે.

બાર્બેક્યુની અગાઉની ચેતવણીઓ વિશે વાત કરીએ તો તેને કહ્યું હતું કે હૈતીનું ભવિષ્યનો નિર્ણય કોઈપણ બહારના હસ્તક્ષેપ વિના તેના નાગરિકો પર છોડવો જોઈએ. જોકે, હૈતીમાં નિષ્પક્ષ ચૂંટણી યોજાવા માટે જે બહુરાષ્ટ્રીય સેના તહેનાત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે તે કદાચ બાર્બેક્યુને પસંદ નહીં પડે.

ગ્લોબલ ઈનિશિએટિવ અગેઇન્સટ ટ્રાન્સનેશનલ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ (જીઆઈટીઓસી)માં નિષ્ણાત તરીકે કામ કરનાર રોમા લે કોરે કહ્યું, "બાર્બેક્યુને પોતાની તાકાત હૈતીના પાટનગર પર પોતાના કબજાથી મળે છે, જેમા ત્યાંના ઈંધણનાં બંદરો અને ભંડારો પરનો કબજો પણ સામેલ છે."

તેમણે ઉમેર્યું કે જો દેશના મહત્ત્ત્વપૂર્ણ ઠેકાણાઓ પર ફરીથી કબજો મેળવવા માટે જો આંતરરાષ્ટ્રીય પોલીસ બળને તૈનાત કરવામાં આવે તો બાર્બેક્યુની પકડ નબળી પડી શકે છે.

માઇકલ ડીબર્ટ અને રોમા લે કોર બન્નેએ ચેતવણી આપી છે કે હૈતીના ગેંગ લીડરોમાં બાર્બેક્યુ જ સૌથી તાકાતવર નથી. એ તમામ ગેંગ લીડરોમાંથી એક છે જેના સુધી મીડિયાની પહોંચ છે.

માઇકલ ડીબર્ટે કહ્યું, "હૈતીમાં ઘણા એવા તાકાતવર લોકો છે જે પત્રકારોને ઇન્ટરવ્યૂ નથી આપતા."

ગેંગ લીડર જૉનસન આંદ્રે ઉર્ફ ઈઝો

જૉનસન આંદ્રે ઉર્ફ ઇઝો

ઇમેજ સ્રોત, YOUTUBE

ઇમેજ કૅપ્શન, જૉનસન આંદ્રે ઉર્ફ ઇઝો

26 વર્ષીય જૉનસન આંદ્રે ઉર્ફ ઇઝો હૈતીમા કામ કરતા અન્ય એક ગેંગ લીડર છે. ઈઝો વિશે કહેવામાં આવે છે કે તેઓ બાર્બેક્યુ કરતા પણ વધારે તાકાત ધરાવે છે.

રોમાં લે કોરે જણાવ્યું, "ઈઝો અને બાર્બેક્યુ વચ્ચે સૌથી મોટું અંતર એ છે કે ઈઝો ગેંગમાંથી જ લીડર બન્યો છે અને હાલમાં તે વિલાજ ડે ડાય-5 સેગૉન ગેંગની આગેવાની કરી રહ્યો છે. બન્ને ગેંગ લીડરો ચર્ચામાં રહેવાનું પસંદ કરે છે."

જોકે, ઈઝો ચર્ચામાં રહેવા માટે સોશિયલ મીડિયાના ઉપયોગને પ્રાધાન્ય આપે છે. તે મીડિયાને ઇન્ટરવ્યુ આપીને પોતાના રાજકીય વિચારો સામે રાખવાને બદલે મ્યુઝિક વીડિયો પોસ્ટ કરીને ખ્યાતિ મેળવવાનું પસંદ કરે છે.

યુવાન ગેંગ લીડર ઈઝો પોતાનાં રૈપ ગીતોના કેટલાય વીડિયો જાહેર કરી ચૂક્યા છે. યૂ-ટયૂબ પર એક લાખથી વધારે ફૉલોઅર્સ મેળવ્યા પછી યૂ-ટયૂબ તરફથી તેને ઇનામ પણ આપવામાં આવ્યું.

જોકે, ઈઝો એક નિર્દય ગુનેગાર પણ છે. સંયુક્ત રાષ્ટ્રની જાણકારી પ્રમાણે ઈઝોની ગેંગ બળાત્કાર, અપહરણ, ડ્રગ્સ અને હથિયારોની દાણચોરી જેવા ગુનાઓ કરવામાં સામેલ છે. તે હૈતીના લોકોને માનવતાવાદી સહાય પૂરી પાડવામાં પણ અવરોધો ઊભા કરે છે.

વર્ષોથી હૈતીના ગુનાહીત જૂથો વિશે અભ્યાસ કરનાર રોમા લે કોરે કહ્યું, "ઈઝો બાકી ગેંગ લીડરોથી એ માટે અલગ પડે છે કારણ કે તે પોર્ટ-ઓ-પ્રિન્સની ખાડી તરફ દોરી જતા દરિયાઈ માર્ગોને પણ નિયંત્રિત કરે છે."

આ કારણે ઈઝોની ગેંગ હૈતીની જમીન પર અન્ય ગેંગના નિયંત્રણને અવગણીને ઝડપથી બહારથી હૈતીને શસ્ત્રો પહોંચાડવામાં સક્ષમ છે.

સંયુક્ત રાષ્ટ્રની જાણકારી મુજબ ઈઝોએ ડ્રગ્સની દાણચોરી કરીને ખૂબ કમાણી કરી છે. કહેવામાં આવે છે કે તેમની ડ્રગ્સની કેટલીક ખેપો તો સીધી દક્ષિણ અમેરિકાથી વિલાઝ ડે ડાયના એવા વિસ્તારો સુધી પહોંચે છે જેના પર ઈઝોની ગેંગનો કબજો છે.

જીઆઈટીઓસીએ પોતાની રિપોર્ટમાં સમજાવ્યું છે કે ઈઝોએ કેવી રીતે હૈતીના પાટનગરની બહાર પોતાનો દબદબો વધાર્યો છે.

જ્યારે ઈઝોની ગેંગે પાટનગર પોર્ટ-ઓ-પ્રિન્સથી લગભગ 35 કિલોમીટર ઉત્તરમાં સ્થિત મિરેબ્લાય કબજે કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેની ગેંગનુ ત્યાંની ગેંગ સાથે લોહિયાળ એન્કાઉન્ટર શરૂ કર્યું. આ એન્કાઉન્ટરમાં ઈઝોની સેગૉન ગેંગના પાંચ લોકો અને વિરોધી ગેંગના 30 લોકો માર્યા ગયા. રિપોર્ટ અનુસાર, બન્ને ગેંગો વચ્ચે થયેલી હિંસક લડાઈને કારણે મિરેબ્લાયથી લગભગ 800 પરિવારો પોતાનું ઘર છોડવા મજબૂર થયા હતા.

રોમાં લે કોરે કહ્યું, “ઈઝોના નેટવર્કને તોડવું અત્યંત મુશ્કેલ છે કારણ કે તેનો વિસ્તાર અતિ વિશાળ અને ફેલાયેલો છે. કહેવામાં આવે છે કે આ વિસ્તારો પર તેનો કબજો એટલો મજબૂત છે કે તે પોતાના દુશ્મનોને પણ હથિયાર વહેંચવાથી અચકાતો નથી."

ભૂતપૂર્વ બળવાખોર ગાય ફિલિપ

ગાય ફિલિપ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગાય ફિલિપ

ગાય ફિલિપ અન્ય એક પૂર્વ પોલીસ અધિકારી છે, જે બળવાખોર બની ગયા હતા. 56 વર્ષીય ફિલિપે 2004માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરટ્રેન્ડ એરિસ્ટાઇડની વિરુદ્ધમાં બળવો કરનાર નેતાઓને મદદ કરી હતી.

ફિલિપ 2016માં હૈતી સેનેટની ચૂંટણી લડ્યા અને જીત્યા. જોકે, સેનેટર તરીકે શપથ લે તે પહેલાં જ તેમને ડ્રગ્સની દાણચોરીના આરોપમાં ધરપકડ કરીને અમેરિકાને હવાલે કરી દેવામાં આવ્યા. જો તેમને સેનેટર તરીકે શપથ લઈ લીધા હોત તો તેમના વિરુદ્ધ આ કાયદાકીય કાર્યવાહી ન થઈ શકત.

ગાય ફિલિપે સ્વીકાર્યું કે તેમણે પોલીસ અધિકારીની નોકરી દરમિયાન અમેરિકા જતી ડ્રગ્સની ખેપને સુરક્ષા આપવા માટે લાંચ લીધી હતી.

અમેરિકામાં તેમની સજા પૂરી કર્યા પછી ફિલિપને ગયા વર્ષે નવેમ્બરમાં ફરીથી હૈતી મોકલવામાં આવ્યા. માઇકલ ડીબર્ટે કહ્યું, "ફિલિપના હૈતી આવવાથી દેશની પહેલાંથી જ કથળેલી સ્થિતિ વધારે ખરાબ બની શકે."

હૈતી આવ્યા પછી ફિલિપે સોશિયલ મીડિયા પર વીડિયો મેસેજ પોસ્ટ કરવામાં જરાય સમય ન વેડફ્યો. પોતાના નિવેદનમાં તેમણે વડા પ્રધાન એરિયલ હેનરીની વિરુદ્ધ બળવો કરવાની અપીલ કરી હતી. તે જાહેર કરી ચૂક્યા છે તે રાષ્ટ્રપતિ બનવા માંગે છે.

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે રાષ્ટ્રપતિ ભવન સુધી પહોંચવા માટે તેને થયેલી જેલની સજા નડશે? તો તેમણે કહ્યું, "દક્ષિણ આફ્રિકાના પૂર્વ રાષ્ટ્રપતિ નેલ્સન મંડેલા પણ જેલમાં રહ્યા હતા. વેનેઝુએલાના હ્યુગો શાવેઝ પણ જેલમાં રહ્યા. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈ ઇનાસિયો લૂલા ડિ સિલ્વા પણ જેલમાં રહ્યા હતા. જો મારી જનતા મારા પર ભરોસો કરશે તો હું તેમનો નેતા બનીશ. આ મારી જનતાનો નિર્ણય છે બીજા કોઈનો નહીં."

માઇકલ ડિબર્ટે કહ્યું કે હૈતીમાં ગુનાહિત ગેંગની હિંસાથી સર્જાયેલી અરાજકતા વચ્ચે રાષ્ટ્રપતિ બનવાની મહત્ત્વાકાંક્ષા વ્યક્ત કરનાર ગાય ફિલિપ એકમાત્ર નેતા નથી.

તેમણે કહ્યું, "એવુ લાગી રહ્યું છે કે ફિલિપનું જૂથ કદાચ ભૂલી ગયું છે કે હૈતીના લોકોની પોતાની તકલીફો છે. અહીંની માનવીય કટોકટી સમગ્ર વિશ્વનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે. આ સંકટના કારણે હૈતીની એક કરોડ દસ લાખની વસ્તીમાંથી લગભગ 50 લાખ લોકો ભયંકર ભૂખમરાનો સામનો કરી રહ્યા છે."