જીરાનું બિયારણ ખરીદતા પહેલાં શું ધ્યાન રાખવું અને બિયારણ ખરેખર ક્યાંથી ખરીદવું?

ખેડૂત

ઇમેજ સ્રોત, Getty Images

  • લેેખક, રુચિતા પુરબિયા
  • પદ, બીબીસી ગુજરાતી માટે

“જીરું વાવનારા ખેડૂતોને ગયા વર્ષે સારો નફો થયો હતો. એનાથી આકર્ષાઈને આ વર્ષે ગામના એ ખેડૂતો જે જીરાની ખેતી નહોતા કરતા તેઓ પણ જીરાનું વાવેતર કરવાના છે.” સુરેન્દ્રનગરના લિંબડી તાલુકાના રામરાજપર ગામના દલપતભાઈનું કહેવું છે કે આ વખતે તેમને ત્યાં જીરાનું વાવેતર વધવાનું છે.

જીરાના ભાવોમાં છેલ્લાં કેટલાંક વર્ષથી ઉછાળો જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના દુધઈ ગામના ખેડૂત રામકુભાઈ કરપડા 7 એકરમાં જીરું પકવે છે.

તેઓ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે, “એક દાયકા પહેલાં જીરું પકવનારને વળતર જોઈએ એવું નહોતું મળતું. પરંતુ છેલ્લા દાયકાથી અમે જીરાના ભાવમાં સતત વૃદ્ધિ જોઈ છે. ગયા વર્ષે ખેડૂતોને તેમના ઉત્પાદનનું ઘણું વળતર મળ્યું હતું. આ પ્રથમ વખત હતું જ્યારે ખેડૂતોને આટલો મોટો નફો મળ્યો. છેલ્લા એક દાયકામાં જીરુંએ સતત સારું વળતર આપ્યું છે.”

સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારોમાં જીરાની લેવાલી વધુ રહેવાની શક્યતા હોય ત્યારે તેનું સારું વાવેતર ખેડૂતને ઘણો લાભ કરાવી શકે છે.

જોકે, જીરાના વાવેતર ખેડૂત માટે જોખમી હોય છો એટલે જીરાનું બિયારણ ખરીદતા પહેલાં શું ધ્યાન રાખવું અને બિયારણ ખરેખર ક્યાંથી ખરીદવું? એ સમજવું પણ મહત્ત્વનું છે.

ગ્રે લાઇન

જીરાનું બિયારણ ખરીદતા પહેલાં શું ધ્યાનમાં રાખવું?

જીરું

ઇમેજ સ્રોત, Getty Images

જીરાના બિયારણ વિશેની માહિતી માટે બીબીસીએ બિયારણ મામલેના કૃષિ નિષ્ણાત સાથે વાત કરી.

ડૉક્ટર પી.જે. પટેલ, સરદારકૃષિનગર દાંતિવાડા ઍગ્રિકલ્ચર યુનિવર્સિટીના મહેસાણા જિલ્લામાં જગુદણ ખતે આવેલા બીજ મસાલા સંશોધન સ્ટેશનમાં વૈજ્ઞાનિક છે.

ડૉ. પી.જે. પટેલ કહે છે, “જીરાની સારી બાબત એ છે કે, ગુજરાતના દરેક જિલ્લાઓ જ્યાં જીરાનું વાવેતર થાય છે, ત્યાંની જમીન, પથ્થર અને આબોહવા એક સામાન છે. તેથી ગુજરાતમાં જીરાનું વાવેતર કરતી વખતે માત્ર એ ધ્યાન રાખવાનું હોય છે કે, બિયારણની ગુણવત્તા કેવી છે.”

“જીરામાં હાઇબ્રિડ બિયારણ નથી આવ્યાં. ફક્ત કૃષિ યુનિવર્સિટીએ સુધારેલ બિયારણની જાત બહાર કાઢી છે.”

તેઓ જણાવે છે કે, “આ બીજનું સંવર્ધન કરવામાં આવે છે અને દરેક ક્ષેત્રની આબોહવાની પરિસ્થિતિઓના આધારે બીજના પ્રકારનું મૂલ્યાંકન કરવામાં આવે છે. તેથી તે ગુજરાતની આબોહવા સાથે અનુકૂલન સાધી શકે છે.”

આઈસીએઆર (ઇન્ડિયન કાઉન્સિલ ઑફ ઍગ્રિકલ્ચર રિસર્ચ)ના અહેવાલ મુજબ આમાં જીસી-1,2,3,4 છે. બીજ મસાલા સંશોધન કેન્દ્ર – જગુદણે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં વિવિધ ઉત્પાદન પરિસ્થિતિઓ હેઠળ ખેતી માટે 2006માં રાષ્ટ્રીય સ્તરે ગુજરાત જીરું 4 (જીસી-4) બહાર પાડ્યું હતું.”

“2006 દરમિયાન રાષ્ટ્રીય સ્તરે બહાર પાડવામાંઆવેલ પ્રથમ વિલ્ટ ટૉલરન્ટ (વનસ્પતિનો રોગ જેથી જીરાનો છોડ કરમાઈ જાય છે. આ રોગની અસર ખાળી શકે તેવા) જીરાની જાત જીસી-4ની પ્રસિદ્ધિ વાયુ વેગે પ્રસરી ગઈ હતી અને ગુજરાત અને રાજસ્થાનમાં જીરાના વાવેતરે અનુક્રમે 90 અને 60 ટકા વિસ્તાર આવરી લીધો હતો. જીસી-4 ને બજારમાં મૂક્યા પછી ભારતભરમાં વિસ્તાર અને ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો હતો.”

ગ્રે લાઇન

બિયારણનો પુનઃઉપયોગ કેવી રીતે કરવો?

જીરું

ઇમેજ સ્રોત, Getty Images

રામકુભાઈ કરપડા બીબીસીને તેમના વાવેતર વિશે કહે છે, “બે વર્ષથી હું મારા છેલ્લાં વર્ષના ઉત્પાદનમાંથી નીકળતા બીજનો ફરીથી ઉપયોગ કરી રહ્યો છું. જો મારી પાસે બીજ પૂરતી માત્રામાં ન હોય તો, હું મારા અન્ય ખેડૂત મિત્રો જોડેથી લઈ લઉં છું. આમ કરવાથી કુલ ઉત્પાદન પાછળ થતો મારો ખર્ચ ઘટી જાય છે.”

અગાઉના પાકમાંથી જ બિયારણનો પુનઃઉપયોગ કરવા વિશે શું ધ્યાનામાં રાખવું જોઈએ? એ વિશે કૃષિ નિષ્ણાત ડૉ. એ. કે. સિંહ કહે છે કે પાકને કોઈ રોગ લાગુ પડ્યો હોય તો પાકમાંથી જ બિયારણ વાપરવું મુશ્કેલી સર્જી શકે છે.

સૅન્ટ્રલ હોર્ટિકલ્ચર ઍક્સપરિમૅન્ટેશન સંસ્થાના વડા ડૉ. એ. કે. સિંહનું કહેવું છે કે, ખેડૂતો સામાન્ય રીતે પરંપરાગત બિયારણ પર આધાર રાખે છે અને પરંપરાગત બીજમાં વધુ જૈવિક સંયોજનો હોય છે. જે વધુ સારું ઉત્પાદન આપેછે.

પરંતુ બિયારણના પુનઃઉપયોગ વિશે વાત કરતા તેઓ કહે છે, “ઘણા ખેડૂતો તેમના અગાઉના બિયારણનો પુનઃઉપયોગ કરવા પર આધાર રાખે છે. જોકે એમાં મહત્ત્વનું એ છે કે તેઓને ગત વર્ષે તંદુરસ્ત પાક મળ્યો હોવો જોઈએ. જો તેમના પાકને ચરમી જેવા રોગોની અસર થઈ હોય તો, તેવાં બીજ ફરીથી ઉપયોગમાં લેવા જોઈએ નહીં.”

તેઓ સમજાવે છે કે, “જૂના બિયારણનો પુનઃઉપયોગ કરવાની એક માત્ર સમસ્યા એ છે કે તે રોગાણુઓ અને રોગોને કારણે અંકુરિત થશે નહીં. જીરુંનાં બીજનું ખુલ્લામાં પરાગાધાન થાય છે અને તેમાંથી ઊગતાં બીજપણ એવી જ ગુણવત્તાવાળાં હશે.”

તેઓ બીબીસી સાથે વાત કરતા જણાવે છે કે, “જીસી-4 બિયારણની જાત સુકારા અને ચરમી જેવા રોગ સામે પ્રતિકારક છે. આખા ગુજરાતમાં જ્યાં જ્યાં જીરાનું વાવેતર થાય છે તે બધા જ જિલ્લાઓની જમીન, પાણી અને હવામાનની પેટર્ન એક જેવી છે. એટલે કે સમગ્ર ગુજરાતના ખેડૂતો જીસી-4 જાતનું જીરું ઉગાડી શકે છે.”

તે વધુમાં સમજાવે છે કે, “ગયા વર્ષના બિયારણોએ પણ ભારતીય ખેડૂતો માટે સારાં પરિણામો આપ્યાં છે. જેથી ખેડૂતો દર વર્ષે નવા બિયારણની ખરીદી કરીને ઉત્પાદન ખર્ચમાં વધારો કરવાને બદલે પોતાના બિયારણનો પુનઃઉપયોગ કરીને નાણાં બચાવી શકે.”

ગ્રે લાઇન

જીરાનું બિયારણ ખરેખર ક્યાંથી ખરીદવું?

જીરું

ઇમેજ સ્રોત, Getty Images

કૃષિ નિષ્ણાતો ખેડૂતોને હંમેશાં પ્રમાણિત બિયારણ ખરીદવા જ સલાહ આપે છે.

ગુજરાતના જગુદણની ઍગ્રિકલ્ચર કૉલેજના ડીન ડૉ. એસ. ડી. સોલંકી અનુસાર ખેડૂતોએ પ્રમાણિત અથવા ટીએફ બીજ જે સરકાર દ્વારા માન્ય છે તેનો જ ઉપયોગ કરવો જોઈએ.

તેઓ જણાવે છે, “પ્રમાણિત બીજ ભૌતિક ઓળખ અને ઉત્પાદનની ખાતરી કરવા માટે તૈયાર કરાયાં છે. આમાં સૌથી અસરકારક બીજ ગુજરાત-4 રહ્યું છે. તે ચરમી અને સુકારો જેવા રોગો સામે લડવામાં સક્ષમ છે. કચ્છના વિસ્તારોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.”

તેઓ કહે છે કે, “ખેડૂતોએ ગુજકોમાસોલ (ગુજરાત રાજ્ય કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ) અથવા ગુજરાત બિજ નિગમ દ્વારા પૂરાં પાડવામાં આવેલ બિયારણનો ઉપયોગ કરવો જોઈએ. આ જીસી-4 બિયારણ ચરમી અને સુકારા જેવા રોગ સામે પ્રતિકારક છે અને તેથી પાક નાશ થવાની શક્યતા ઓછી થઈ જાય છે.”

પણ ડૉક્ટર પી.જે. પટેલ કહે છે કે, “જીસી-4 બીજને ફૂલ આવતા 50 દિવસ અને પાકવા માટે 50 દિવસ લાગે છે. આમ 100 દિવસની અંદર જીરાનો પાક તૈયાર થઈ જાય છે.”

“જ્યારે ખેડૂતોએ બીજ ખરીદવાનું હોય ત્યારે ખાનગી કંપનીઓની લોભામણી યોજનાઓથી આકર્ષિત ન થવું જોઈએ. માત્ર પ્રમાણિત અને ટીએફ બિયારણ જ ખરીદવું જોઈએ અને તે પણ સરકાર દ્વારા માન્ય કંપનીઓ પાસેથી જ ખરીદવું જોઈએ.”

“આઈસીએઆર (ઇન્ડિયન કાઉન્સિલ ફોર ઍગ્રિકલ્ચર રિસર્ચ) મુજબ, જેમ જેમ બિયારણમાં વિકાસ થતો જાય છે, તેમ યુનિવર્સિટીઓ એવાં બીજ લાવી રહી છે જેની ઓછા સમયગાળામાં પાકની ખેતી કરી શકે. તે મોડી વાવણી કરવામાં અને વહેલી લણણી કરવામાં મદદરૂપ થશે.”

“આમ ફેબ્રુઆરીમાં શિયાળાની મોડી શરૂઆત અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે પાક નિષ્ફળ જવાના જોખમને ઘટાડે છે.”

ગ્રે લાઇન

જીસી-4એ ભારતમાં જીરાનું ઉત્પાદન કેવી રીતે વધાર્યું છે?

ખેતી

વર્ષ 2001-02 દરમિયાન દેશમાં જીરાના વાવેતરનો વિસ્તાર અને ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 27 અને 30 ટકા હતો. જે વર્ષ 2020-21 દરમિયાન વધીને 51 અને 50 ટકા થયો.

જીરુંનો લગભગ 95% વિસ્તારમાં ઉચ્ચ ઊપજ આપતી બિયારણની જાત વાવેલી છે, જેમાંથી 90 ટકા જીરુંની જાત ગુજરાત જીરું 4 (જીસી-4) દ્વારા આવરી લેવામાં આવી છે.

બીજ મસાલા અને એમાં પણ ખાસ કરીને જીરું-વરિયાળીની નિકાસમાં છેલ્લા દાયકા દરમિયાન ધરખમ વધારો નોંધાયેલ છે.

આ વધારાનું કારણ ઉત્પાદનમાં વધારો અને તેના કારણે નિકાસ માટે વધુ સરપ્લસ જથ્થાની ઉપલબ્ધિ છે. જીરાની નિકાસ 59.0 કરોડ (2003-04) થી વધીને 1093 કરોડ (2012-13) થઈ છે.

બીજી તરફ જીરાની આયાત 18.5 કરોડ (2007-08)થી ઘટીને 1.6 કરોડ (2012-13) થઈ અને વિદેશી હૂંડિયામણની બચત થઈ.

આ ઉપરાંત જીરુંના પાક ઉત્પાદન અને પાક સંરક્ષણ અંગેની તકનિકો વિકસાવવામાં આવી છે. જેના પરિણામે ઉત્પાદનના ખર્ચમાં ઘટાડો, કુદરતી સંસાધનોનું સંરક્ષણ અને ઉત્પાદકતામાં વધારો થયો છે.

વર્ષ 2001-02ની સરખામણીમાં વર્ષ 2020-21 સુધીમાં ગુજરાતમાં જીરાના વાવેતરનો વિસ્તાર, ઉત્પાદન અને ઉત્પાદકતા અનુક્રમે 331 ટકા, 700 ટકા અને 216 ટકા જેટલાં વધ્યાં છે.

રેડ લાઇન
રેડ લાઇન