કેવી રીતે સર્જાઈ શક્તિપીઠ?:ભારત સહિત બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકામાં દેવીનાં સિદ્ધ મંદિર, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ 10 શક્તિપીઠ

2 વર્ષ પેહલા
  • કૉપી લિંક

શક્તિની આરાધનાના નવ દિવસ શરૂ થઈ ગયા છે. આ નવ દિવસમાં દેશભરની શક્તિપીઠમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળશે.

કેવી રીતે શક્તિપીઠ બની?
માન્યતા પ્રમાણે, દુનિયામાં 51 શક્તિપીઠ છે. એકવાર પ્રજાપતિ દક્ષે યજ્ઞ કર્યો, પરંતુ ભગવાન શિવને આમંત્રણ આપ્યું નહીં કે પોતાની દીકરી સતીને પણ બોલાવી નહીં. ભગવાન શિવજીએ માતા સતીને ના પાડી હોવા છતાંય તેઓ પોતાના પિતાના ઘરે યજ્ઞમાં સામેલ થવા ગયાં. જ્યારે ત્યાં દક્ષે ભગવાન શિવજીનું અપમાન કર્યું ત્યારે માતા સતીને ગુસ્સો આવ્યો અને તેઓ યજ્ઞવેદીમાં કૂદીને પ્રાણનો ત્યાગ કર્યો.

જ્યારે શિવજીને આ વાતની જાણ થઈ ત્યારે તેઓ ત્યાં આવ્યા અને યજ્ઞ ધ્વસ્ત કરી દીધો અને સતીનું શબ લઈને ફરવા લાગ્યા. શિવ ગુસ્સામાં હતા, જેથી સંસારમાં ભય ફેલાઇ ગયો. સૃષ્ટિ અટકી ગઈ. આ જોઈને ભગવાન વિષ્ણુએ શિવજીના ગુસ્સાને શાંત કરવા અને તેમને સતીના શબથી દૂર કરવા માટે સુદર્શન ચક્રથી માતા સતીના શબના ટુકડા કર્યા. જ્યાં સતીનાં અંગ પડ્યાં, આજે ત્યાં શક્તિપીઠ છે.

ચાલો... આજે જાણીએ દેશ અને દુનિયામાં કઈ-કઈ જગ્યાએ શક્તિપીઠ આવેલી છે

પશ્ચિમ બંગાળમાં 10 શક્તિપીઠ, સૌથી પ્રસિદ્ધ કાલીઘાટ શક્તિપીઠ પણ અહીં જ છે
દેશમાં સૌથી વધારે શક્તિપીઠ પશ્ચિમ બંગાળમાં છે. અહીં કુલ 10 શક્તિપીઠ છે. બંગાળના કાલીઘાટીમાં દક્ષિણેશ્વરી મંદિરમાં કાલીની અદભુત પ્રતિમા સ્થાપિત છે. પ્રતિમામાં દેવી કાલી ભગવાન શિવની છાતી પર પગ રાખીને ઊભાં છે. માન્યતા પ્રમાણે કાલીઘાટમાં માતા સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો. કાલિકા દેવી મંદિર સિવાય બંગાળમાં 9 શક્તિપીઠ કિરીટેશ્વરી મંદિર, અટ્ટહાસ મંદિર, શ્રીબકરેશ્વર મંદિર, નંદીપુર શક્તિપીઠ, કાલિકા શક્તિપીઠ, બહુલા શક્તિપીઠ, ભ્રામરી શક્તિપીઠ, વિભાષ શક્તિપીઠ, યુગદ્યા શક્તિપીઠ પણ છે.

ઉત્તર ભારતમાં 8 શક્તિપીઠ, અમરનાથની પવિત્ર ગુફામાં મહામાયા છે

કાલીઘાટ મંદિર, કોલકાતા.
કાલીઘાટ મંદિર, કોલકાતા.

ઉત્તર ભારત એટલે ભારતનું હૃદય, અહીં કુલ 8 શક્તિપીઠ છે. સૌથી પ્રસિદ્ધ મહામાયા શક્તિપીઠ, અમરનાથની પવિત્ર ગુફામાં સ્થિત છે. તેને માતા સતીની એક જાગ્રત શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે. માન્યતા પ્રમાણે અહીં માતા સતીનો કંઠ પડ્યો હતો. આ સિવાય ઉત્તરપ્રદેશમાં વિશાલક્ષી શક્તિપીઠ પણ મુખ્ય શક્તિપીઠની યાદીમાં છે. આ મંદિર બનારસમાં કાશી વિશ્વનાથ મંદિરથી થોડે દૂર પતિત પાવની ગંગાના કિનારે આવેલું છે. માન્યતા છે કે આ શક્તિપીઠ દુર્ગા માતાની શક્તિનું પ્રતીક છે. આ સિવાય ઉત્તર ભારતમાં 7 અન્ય ભવ્ય શક્તિપીઠ આવેલી છે, જેનાં નામ- વિશાલક્ષી શક્તિપીઠ, લલિતા દેવી મંદિર, કાત્યાયની, જ્વાલા જી, શ્રી દેવી કૂપ ભદ્રકાળી મંદિર, ત્રિપુરમાલિની શક્તિપીઠ, મગધ દેવી શક્તિપીઠ.

પશ્ચિમ ભારતમાં 5 શક્તિપીઠ, કોલ્હાપુરના શ્રી મહાલક્ષ્મી મંદિરમાં 7000 વર્ષ જૂની પ્રતિમા
મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં શ્રી મહાલક્ષ્મી મંદિર છે. તેને શક્તિપીઠ તરીકે પૂજવામાં આવે છે. માન્યતા છે કે માતા સતીના ત્રિનેત્ર પડ્યાં હતાં. અહીં ભગવાન વિષ્ણુ સાથે મહાલક્ષ્મી નિવાસ કરે છે. મંદિરમાં મહાલક્ષ્મીની શ્યામ વર્ણની 3 ફૂટ ઊંચી મૂર્તિ છે. કોલ્હાપુરના આ મંદિર સિવાય પશ્ચિમ ભારતમાં મણિવેદિકા મંદિર, શ્રી અંબિકા વિરાટ શક્તિપીઠ, જનસ્થાન ભ્રામરી શક્તિપીઠ અને અંબાજી શક્તિપીઠ પણ આવેલી છે.

કોલ્હાપુરનું મહાલક્ષ્મી મંદિર.
કોલ્હાપુરનું મહાલક્ષ્મી મંદિર.

દક્ષિણ ભારતમાં 5 શક્તિપીઠ, કન્યાકુમારીમાં શુસીચંદ્રમ શક્તિપીઠ
દક્ષિણ ભારતમાં 5 શક્તિપીઠ આવેલી છે. અહીં સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠ શુસીચંદ્રમ છે જે કન્યાકુમારીના ત્રિસાગર સંગમ સ્થળે સ્થિત છે. માન્યતા છે કે અહીં માતાના દાંત પડ્યા હતા. આ સ્થાને ભગવતી દેવીએ બાણાસુરનો વધ કર્યો હતો અને અહીં જ ઇન્દ્ર દ્વારા મહર્ષિ ગૌતમને શ્રાપમાંથી મુક્તિ મળી હતી. અહીં નારાયણી માતાની ભવ્ય પ્રતિમા છે. શુસીચંદ્રમ શક્તિપીઠ સિવાય દક્ષિણ ભારતમાં 4 અન્ય શક્તિપીઠ છે. તેમનાં નામ આ પ્રકારે છે- મા કામાક્ષી દેવી મંદિર, કણ્યકાશ્રમ શક્તિપીઠ, ગોદાવરી શક્તિપીઠ અને શ્રી શૈલ શક્તિપીઠ.

પૂર્વોત્તર ભારતમાં 5 શક્તિપીઠઃ અહીં કામાખ્યા દેવી મંદિરનો અંબુવાચી મેળો વિશ્વ પ્રસિદ્ધ છે
પૂર્વોત્તરમાં 5 શક્તિપીઠ છે. સૌથી વધારે આસામનું કામાખ્યા દેવી મંદિર પ્રસિદ્ધ છે. કહેવાય છે કે આસામ આવ્યા અને આ મંદિરનાં દર્શન કર્યા નહીં તો યાત્રા અધૂરી કહેવાય છે. આ મંદિર દિસપુરથી થોડે દૂર નીલાંચલ પર્વત પર આવેલું છે. 17મી સદીમાં બિહારના રાજા નારા નારાયણે આ મંદિર બનાવ્યું હતું. અહીં દર વર્ષે અંબુવાચી મેળાનું આયોજન થાય છે, જેમાં ભાગ લેવા માટે દેશભરથી અઘોરી અને તાંત્રિક આવે છે. માન્યતા છે કે મેળાના ત્રણ દિવસ માતાના મહાવરી (પિરિયડ્સ)નો સમયગાળો હોય છે. આ સમયે જળકુંડમાં પાણીની જગ્યાએ લોહી વહે છે. પ્રસાદ તરીકે શ્રદ્ધાળુઓને લોહીમાં ડુબાડેલું કપડું આપવામાં આવે છે. કામાખ્યા સિવાય પૂર્વોત્તરમાં બિરજા દેવી મંદિર, ત્રિપુરસુંદરી શક્તિપીઠ, માતા જયા દુર્ગા શક્તિપીઠ અને જયંતી શક્તિપીઠ આવેલી છે.

મધ્યપ્રદેશમાં 2 શક્તિપીઠઃ અહીં હરસિદ્ધિ માતા મંદિરમાં પૂજા કરવાથી દિવ્ય સિદ્ધિઓ મળે છે
મધ્યપ્રદેશમાં બે શક્તિપીઠ આવેલી છે. એક હરસિદ્ધિ માતા મંદિર છે જે ઉજ્જૈનમાં છે. પૌરાણિક કથાઓ પ્રમાણે અહીં માતા સતીના જમણા હાથની કોણી પડી હતી. હરસિદ્ધિ માતાને માંગલ-ચાંડિકીના નામથી ઓળખવામાં આવે છે. કહેવાય છે કે માતા હરસિદ્ધિની સાધનાથી બધી દિવ્ય સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ સિવાય મધ્યપ્રદેશના અમરકંટકમાં શોણ શક્તિપીઠ આવેલી છે. અહીં સતીનું જમણું નેત્ર પડ્યું હતું.

કામાખ્યા મંદિરનો અંબુવાચી મેળો.
કામાખ્યા મંદિરનો અંબુવાચી મેળો.

ભારતની બહાર 8 શક્તિપીઠ- પાકિસ્તાનમાં હિંગળાજ તો શ્રીલંકામાં ઇન્દ્રાક્ષી
થોડી શક્તિપીઠ પાડોશી દેશમાં પણ છે. ભારત બહાર ચાર શક્તિપીઠ બાંગ્લાદેશમાં છે. આ પ્રકારે પાકિસ્તાનમાં વિશ્વપ્રસિદ્ધ હિંગળાજ મંદિર છે, જે હિંગોલ નદી અને ચંદ્રકૂપ પહાડ પર ગુફામાં સ્થિત છે. માન્યતા છે કે હિંગળાજ શક્તિપીઠમાં માતા સતીનું માથું પડ્યું હતું. આ સિવાય બાંગ્લાદેશમાં ચાર શક્તિપીઠ છે- સુગંધા દેવી શક્તિપીઠ, ચટ્ટલ ભવાની શક્તિપીઠ, યશોરશ્વેરી શક્તિપીઠ અને કરતોયાઘાટ શક્તિપીઠ. આ સિવાય નેપાળમાં બે શક્તિપીઠ છે- મુક્તિધામ મંદિર અને ગુહ્યેશ્વરી શક્તિપીઠ. ત્યાં જ શ્રીલંકા અને તિબેટમાં એક-એક શક્તિપીઠ છે.

અન્ય સમાચારો પણ છે...