ભાગ્યના ભેદ:નાડીદોષ શું છે? ડરવાની બદલે આ ઉપાય કરવાથી નિરાકરણ આવશે

1 મહિનો પેહલા
  • કૉપી લિંક

અમારી પાસે આવનારા મોટા ભાગના બેચલર્સ (કુંવારા જાતકો)ક્યાંક ને ક્યાંક નાડી દોષના વહેમ અને અધૂરા જ્ઞાનના કારણે પોતાના લગ્ન જીવનનો નિર્ણય લઇ શકતા નથી. આ જાતકોને સમાજ દ્વારા 40-45ની ઉમર પછી વાંઢા જેવા અવૈચારિક શબ્દો દ્વારા નવાજવામાં આવે છે. જીવનમાં દરેક પ્રસંગની એક યોગ્ય ઉંમર હોય અને તે ઊંમર દરમિયાન જે તે કામને પૂર્ણ કરવામાં ના આવે તો કાર્યનું મહત્ત્વ અને મહાત્મ્ય એળે જાય છે. અંગ્રેજીમાં કહેવત છે “સ્ટ્રાઈક વેન ધી આયર્ન ઈઝ હોટ”

કાત્યાયનિ મહામાયે મહાયોગિન્યધીશ્વરિ ।નંદ ગોપસુતં દેવિપતિં મે કુરુ તે નમઃ ॥
અર્થાત: યોગીનીઓની અધીશ્વરિ, દે કાત્યાયનિ દેવી હે મહામાયે નંદ ગોપાળના પુત્રને મારો પતિ બનાવો.
આ શ્લોકનો સંદર્ભ અને હેતુ સુંદર છે પરંતુ કુંડળીમાં જયારે કોઈ ચોક્કસ પ્રકારનો દોષ સર્જાય ત્યારે ઉપરના શ્લોકનો ભાવ અને હેતુ નિરર્થક બની જાય છે.

આજે દરેક વ્યક્તિ પસંદગીનો જીવનસાથી ઇચ્છે છે. જીવનસાથી ફક્ત દેખાવડો અને સુંદર હોય તેટલું જ પૂરતું નથી પરંતુ જીવનસાથીનો સ્વભાવ, આચરણ, આયુષ્ય અને વ્યક્તિત્વ વગેરે બાબતો પર પણ વિચાર કરવો જોઇએ. ઋષિમુનિઓ કહે છે કે લગ્નસંસ્કાર એ સંતાન દ્વારા વંશવેલો ટકાવી રાખવાની ધાર્મિક પ્રક્રિયા છે. સંતાન એ દંપતિની પ્રથમ અને અંતિમ ઇચ્છા હોય છે. પ્રસન્ન-તંદુરસ્ત અને સુશીલ સંતાન મેળવવા લગ્ન પહેલાં પતિ-પત્નીના જન્માક્ષર મેળવવામાં આવે છે. જન્મપત્રિકા મેળવતા પહેલાં આઠ બાબતોનું નિરિક્ષણ કરવામાં આવે છે. આ આઠ બાબતો એટલે વર્ણ, વૈશ્ય, તારા, યોનિ, ગ્રહમૈત્રી, ગણ, ભૃકુટ તથા નાડી. આ તમામ આઠ બાબતો પૈકીસૌથી વધુ આઠ ગુણ નાડી દોષને ફાળવવામાં આવ્યા છે. આમ નાડી દોષનું મહત્ત્વ લગ્નજીવનમાં આપોઆપ વધી જાય છે કારણકે નાડીદોષ સીધો જ સંતાનસુખ સાથે સંબંધ રાખતો વિષય છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર નાડીદોષ હોય તો જાતકના સ્વાસ્થ્ય પર અને સંતાન સુખ પર તેની વિપરીત અસરો પડે છે. આથી નાડીદોષ અંગે પુર્ણ વિચાર કરવો જોઇએ. નાડી દોષ અંગે "બાલ બોધ જ્યોતિષ સાર સમુચ્ચ"નો શ્લોક શું કહે છે તે જોઈએ.

અગ્ર નાડી વ્ય્ધેનદ્વાર્તા મધ્ય નાડી વ્ય્ધેનદ્રડ્યમ I
પૃષ્ઠનાડી વ્ય્ધેન ત્કાન્યા મ્રિયતે નાત્ર સંશયઃ II

અર્થાત કન્યા અને વર બંનેની આદ્ય નાડી હોય તો પતિનો નાશ થાય છે. બંનેની મધ્ય નાડી હોય તો વરવધૂ નો નાશ થાય છે...અને જો બંનેની અંત્ય નાડી હોય તો કન્યાનું મૃત્યુ થાય છે. અલબત્ત વ્યવહારુ જીવનમાં આ શ્લોકનું અર્થઘટન સત્યાતીત અને એકદમ ખરેખરું ઉતર્યું હોય તેવું જણાયું નથી. વિજ્ઞાન અને જ્યોતિષ બંને શાસ્ત્રો વાદવિવાદ અને અપવાદના શાસ્રો રહ્યા ને કહ્યા છે.

નાડીદોષસ્તુ વિપ્રાણામ વર્ણદોષસ્તુ ક્ષત્રિય: I
ગણદોષસ્તુ વૈશ્યાનામ યોનિદોષસ્તુ પાદજ: II

બ્રાહ્મણોને નાડી દોષ, ક્ષત્રિયોને વર્ણ દોષ, વૈશ્યોને ગણ દોષ અને શુદ્રને યોનીદોષ મુખ્ય દોષ કહેવાય. આથી આ દોષને ત્યજવો જોઈએ. આ દોષ વર્ણાદીનામ દોષ કહેવાય છે. જો શાસ્ત્રોની વાત માનીએ તો નાડી દોષથી બ્રાહ્મણોએ સૌથી વધારે ડરવું જોઈએ. અલબત્ત અભ્યાસ અને હકીકતે આ બાબત પર સત્યની મહોર મારવી અતિ કઠીન છે.કારણ કે જરી પુરાણા સિદ્ધાંતો કરતાં સંશોધનનું આકાશ વધારે ઊંચું અને સત્યની નજીક હોય તેવું વારંવાર અનુભવ્યું છે.

જ્યોતિષશાસ્ત્રમાં નાડી ત્રણ પ્રકારની છે. આ ત્રણ નાડી એટલે આદ્ય, મધ્ય અને અંત્ય. 27 નક્ષત્રોને આ ત્રણ નાડી વચ્ચે વહેંચવામાં આવ્યા છે જે નીચે પ્રમાણે છે.

1. આદ્ય નાડી: અશ્વિની, આર્દ્રા, પુનર્વસુ, ઉત્તરા ફાલ્ગુની, હસ્ત, જ્યેષ્ઠા, મૂળ, શતભિષા અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં જન્મ લેનાર જાતક આદ્ય નાડીમાં આવે છે.

2. મધ્ય નાડી: ભરણી, મૃગશીર્ષ, પુષ્પ, પૂર્વા ફાલ્ગુની, ચિત્રા, અનુરાધા, પૂર્વાષાઢ, ધનિષ્ઠા અને ઉત્તરા ભાદ્રપદ આ નક્ષત્રમાં જન્મ લેનાર જાતક મધ્ય નાડીમાં આવે છે.

3. અંત્ય નાડી: કૃતિકા, રોહિણી, આશ્લેષા, મઘા, વિશાખા, ઉત્તરાષાઢા, શ્રવણ અને રેવતી આ નક્ષત્રમાં જન્મ લેનાર વ્યક્તિ અંત્ય નાડીમાં આવે છે.

ઉપરોક્ત આ ત્રણે નાડીઓને ત્રિદોષની સંજ્ઞા આપી છે. આ ત્રણ દોષ એટલે વાયુ, પિત્ત અને કફ. વાયુ પ્રધાન નાડી એટલે આદ્ય, પિત્ત પ્રધાન નાડી એટલે મધ્ય અને કફ પ્રધાન નાડી એટલે અંત્ય નાડી તરીકે ઓળખાય છે. જો વર-વધૂની નાડી એકસરખી થઇ જાય તો બંનેની તંદુરસ્તી અને સંતાન માટે અશુભ બને છે. દા.ત. વસ્તી નાડી આદ્ય અને વધૂની નાડી પણ આદ્ય હોય તો પતિ-પત્ની બંનેની નાડી વાત પ્રધાન થઇ કહેવાય. આથી તેમના લગ્ન કરવાથી વાત પ્રધાન રોગ શરીરમાં ઉત્પન્ન થાય છે જેની અસર સંતાનના સ્વાસ્થ્ય પર પડે છે. તે જ પ્રમાણે પતિ-પત્નીની નાડી મધ્ય નાડી હોય તો પિત્તજન્ય રોગ અને બંનેની અંત્ય નાડી હોય તો કફ પ્રધાન રોગ થાય છે. આમ, નાડીદોષના કારણે સંતાનના સ્વાસ્થ્ય અને ઉત્પત્તિની પ્રક્રિયા પર અવળી અસરો પડે છે. આમ, સ્ત્રી-પુરુષની નાડી એક હોય તો સંતાન સુખમાં ઊણપ આવે છે.

મુનિ મન્ત્રેશ્વર કહે છે કે નાડીદોષના કારણે લગ્નને ત્યજવા જોઇએ અને જો આમ અશક્ય હોય તો નાડીદોષની વિધિ કરવી અગર કરાવવી જોઇએ. દરેક વ્યક્તિ નાડીદોષનું નિવારણ જાતે કરી શકે છે. જો વર-કન્યાને નાડીદોષ હોય અને તેના કારણે લગ્ન અટકતા હોય તો નીચે દોરેલું ‘નાડીદોષ નિવારણ યંત્ર’ ભોજપત્ર પર અષ્ટગંધની શ્યાહીથી પુનર્વસુ નક્ષત્રમાં દોરી લગ્નના સાત દિવસ પહેલાં વર-કન્યાએ સાથે બેસી અગ્નિની સાક્ષીએ નીચેના મંત્રની 11 માળા કરવી. નાડીદોષ નિવારણ માટે આ વિધિ આધારભૂત અને શાસ્ત્રોક્ત છે. એક માળા પૂરી થાય એટલે યંત્ર પર કંકુ-ચોખા-ફૂલ ચઢાવવાં.

“ૐ હ્રાં હ્રીં મમ નાડી દોષ નિવારમ કુરુ કુરુ સ્વાહા
ૐ હ્રાં હ્રીં મમ શ્રેષ્ઠ સંતાનમ કુરુ કુરુ સ્વાહા “

ખાસ નોંધ - કુંડળીના ફક્ત કોઈ પણ એક દોષના આધારે દામ્પત્યજીવનનો નિર્ણય મુલત્વી રાખવો વ્યવહારિક નથી. કુંડળીમાં એક દોષ હોય પરંતુ અન્ય પાસાં સકારાત્મક અને તરફેણ કરતાં હોય ત્યારે બુદ્ધિપુર્વકનો નિર્ણય લગ્નજીવનને સાર્થક કરે છે. જ્યોતિષ સિદ્ધાંતોનું નહિ પણ સંશોધનનું શાસ્ત્ર છે અને સંશોધન એ સાચું ધન છે. સમજપૂર્વકનો વિચાર સમાજની રચના કરે છે. પૂર્વગ્રહ રહિત ગ્રહોનું અધ્યન એ જ સાચું જ્યોતિષશાસ્ત્ર. નાડી દોષના આ અધ્યાયને પૂર્ણ કરતી વખતે સૌને શ્રેષ્ઠ વર અને લાડી માટેની શુભેચ્છા...(drpanckaj@gmail.com)