ભાગ્યના ભેદ:અલગ-અલગ કલરનું પણ આપણા જીવનમાં છે મહત્ત્વ, ધુળેટીના દિવસે આ ઉપાય કરો

1 મહિનો પેહલા
  • કૉપી લિંક

જયારે જયારે આપણે રંગ અર્થાત કલર્સની વાત કરીએ ત્યારે કુદરત એ દરેકે-દરેક રંગનો પ્રાકૃતિક સ્ત્રોત અને મૂળ છે. કહેવાય છે કે ઈશ્વરે જગત પર પ્રકાશ પાથર્યો અને તે પ્રકાશમાં વિવિધ રંગ પૂરવાનું કામ કુદરતે કર્યું. જેમ કે આકાશનો રંગ આસમાની(light blue), સમુદ્રનો રંગ પણ આછો વાદળી, વૃક્ષો અને વનસ્પતિનો રંગ લીલો, વાદળોનો રંગ ગ્રે અને બ્લેક, બરફ અને ધોધનો રંગ સફેદ, પીળાથી નારંગીથી વાયોલેટ રંગ સૂર્યોદય અને સૂર્યાસ્તનો આપણે જોઈ શકીએ છીએ. રંગ માનવીના મૂડને રંગબેરંગી બનાવે તો ક્યારેક મૂડ બગાડી પણ નાખે છે. વાચક મિત્રો, જગત પર અસ્તિત્વ ધરાવતો એક-એક રંગ ગ્રહો સાથે સંબંધિત છે અને જન્મકુંડળીમાં આવેલો ગ્રહ જો દૂષિત થાય તો તેની સાથે સંબંધ ધરાવતો રંગ તમને ભારે નુકસાન પહોંચાડી શકે અને જો જન્મકુંડળીમાં આવેલો ગ્રહ શુભ હોય તેને સંબંધિત રંગ તમને ખૂબજ લાભ આપે છે.

એક મિત્રની કુંડળીમાં મંગળ કર્ક રાશિમાં છે અને રાહુ સાથે છે. આ ભાઈ જયારે જયારે લાલ રંગના કપડાં પહેરે ત્યારે ત્યારે તેમનો ગુસ્સો આસમાને હોય છે અને જે દિવસે લાલ રંગના સંપર્કમાં આવે તે દિવસે તેમના તમામ કામ અટકે છે કારણ કે કર્કનો મંગળ નીચ રાશિનો મંગળ કહેવાય અને સાથે રાહુ બેસે એટલે લાલ રંગ આ મિત્ર માટે ભારે આપત્તિઓ ઊભી કરે. આ મિત્રની કુંડળીમાં ગુરુ અતિ બળવાન છે એટલે અમે તેને સલાહ આપી છે કે જયારે-જયારે તેઓ અગત્યના કામે નીકળે ત્યારે પીળા રંગનો ઉપયોગ કરે. અને સાચે જ તેઓ જયારે પીળા રંગનો ઉપયોગ કરે ત્યારે તેમને ખૂબ જ લાભ થાય છે. કલરની કમાલનું આનાથી વધુ સારું ઉદાહરણ કયું હોઈ શકે? માનો યા ના માનો પરંતુ એક વાત ચોક્કસ છે કે રંગની સાચી પસંદગી તમને સાચા જીવનની સંગ રાખે છે. અમે ખાસ નિરીક્ષણ કર્યું છે કે જે જાતકો શનિની પનોતી દરમિયાન હેરાન થતા હોય છે અગર તો દુખ અને પીડા ભોગવતા હોય છે તેઓ જો અહી જણાવેલી કલર્સ થેરાપીનો ઉપયોગ કરે તો અનેક દુઃખમાંથી મુક્તિ મળે છે અને જીવનની યાત્રા અતિ સરળ બને છે.

જ્યોતીષિક દૃષ્ટિએ અત્યાર વિચાર કરીએ તો કુંભમાં ગોચર ભ્રમણ કરતો શનિ કર્ક, વૃશ્ચિક, મકર, કુંભ અને મીન રાશિના જાતકોથી અતિ નારાજ છે, કારણ કે આ પાંચ રાશિઓમાં કર્ક અને વૃશ્ચિક રાશિને શનિની નાની પનોતી અને મકર, કુંભ, મીન રાશિને શનિની સાડા સાતી પનોતી ચાલે છે. આથી આ પાંચેય રાશિના જાતકો શનિની અવકૃપા અને શાપ હેઠળ છે. આ રાશિના જાતકો માર્ચ-2025 ના અંત સુધી શનિની પનોતીની અવકૃપા હેઠળ રેહશે. આ લેખ દ્વારા અમે તમને પનોતીથી ઉન્નતિ-પ્રગતિ સુધીનો રસ્તો અતિ સરળ ઉપાય દ્વારા બતાવીશું. આપણે સૌ જાણીએ છીએ કે આપણા અતિ ન્યાયપ્રિય ન્યાયાધીશ ગ્રહ શનિદેવનો રંગ વાદળી (blue)છે. સર્વ પ્રથમ તમારા મનમાં એક વાત નક્કી રાખજો કે આ લેખમાં વાદળી રંગનું પ્રાધાન્ય સૌથી વધારે હશે. ત્યારબાદ બીજા અન્ય રંગોનો પ્રયોગ કેવી રીતે કરવો તે સમજાવવામાં આવશે. સર્વ પ્રથમ આપણે શરૂઆત કરીએ એવી રાશિના જાતકોનો કે જે અત્યારે હાલ શનિની પનોતીથી પીડિત છે.

કર્ક રાશિ : તમે શનિની ઢૈયા એટલે અઢી વર્ષની નાની પનોતીમાં છો. શનિ મહારાજ તમારી રાશિથી આઠમે મૃત્યુ સ્થાનમાં ચાલે છે. અમારા મતે શનિની પનોતીના કારણે કર્ક રાશિના જાતકો અતિ પીડા અને કષ્ટમાં છે. અહી જણાવેલ રંગનો પ્રયોગ પનોતીની પીડાથી તમને ચોક્કસ રાહત આપશે. કોઈપણ સોમવારે સૂર્યોદયથી એક કલાકની અંદર દીવો ધૂપ પ્રગટાવી તમારા જમણા હાથના કાંડા પર વાદળી + શ્વેત રંગનો દોરો એકબીજામાં ભેગા કરીને પહેરી લો, કારણ કે વિજ્ઞાન એવું કહે છે કે વાદળી રંગ પર શનિનો અને શ્વેત રંગ પર ચંદ્રનો પ્રભાવ છે. કર્ક રાશિનો માલિક ગ્રહ ચંદ્ર છે અને ચંદ્ર જગત પર આવેલા તમામ શ્વેત (સફેદ)પદાર્થ પર અસર કરે છે. બંને દોરા પહેર્યા બાદ શનિ અને ચંદ્રના બીજ મંત્રની એક એક માળા કરવાનું ચુકતા નહીં.

વૃશ્ચિક રાશિ : તમે શનિની અઢી વર્ષની નાની પનોતીમાં છો. શનિ મહારાજ તમારી રાશિથી ચોથા હૃદય સ્થાનમાં ભ્રમણ કરે છે આથી તમને હૃદયમાં અશાંતિ, અજંપો અને દરેક કાર્યમાં વિલંબ, અડચણો આવતી હોય તેવો અનુભવ થશે. કોઈ પણ મંગળવારના દિવસે સૂર્યોદયથી એક કલાકની અંદર જયારે મંગળની હોરા હોય ત્યારે તમારા જમણા હાથના કાંડા પર લાલ દોરા સાથે વાદળી દોરો એકબીજામાં લપેટી પહેરી લેશો તો મંગળનું બળ વધશે અને પનોતીની નેગેટિવ અસરો ઘટશે. બંને દોરા ધારણ કર્યા બાદ શનિ અને મંગળના બીજ મંત્રની એક એક માળા કરવાનું ભૂલતા નહિ.

મકર રાશિ : તમે છેક 2017ના અંતથી શનિની સાડા સાતીની પીડામાંથી પસાર થઇ રહ્યા છો. એપ્રિલ 2025 પછી તમે મુક્ત થશો. પણ તે પહેલાં આવનારા સવા વર્ષની પીડા, કષ્ટ અને સંકટોને નિવારવા તમે કોઈ પણ શનિવારે સૂર્યોદયથી એક કલાકની અંદર અંદર વાદળી દોરો + કાળો દોરો એમ બંને દોરાને એકબીજામાં વણી જમણા હાથના કાંડા પર પહેરો અને શનિના બીજ મંત્રની એક માળા કરવાનું ખાસ યાદ રાખજો આ સાથે-સાથે દીવો ધૂપ પણ પ્રગટાવવાનો છે.

કુંભ રાશિ : આ રાશિના જાતકો પણ શનિની સાડા સાતી પનોતીમાં છે. તમે પણ જમણા હાથના કાંડા પર શનિવારના દિવસે જ કાળો + વાદળી દોરો એકબીજામાં લપેટી સૂર્યોદયના એક કલાકની અંદર આ ઉપાય કરો.

મીન રાશિ : તમે શનિની સાડા સાતી પનોતીના પ્રથમ તબક્કામાં છો. હજુ તમારો કષ્ટ-પીડાનો રસ્તો ઘણો લાંબો છે. તમારે ગુરુવારના દિવસે વહેલી પરોઢે સૂર્યોદયના એક કલાકની અંદર ગુરુની હોરામાં જમણા હાથના કાંડા પર પીળો દોરો + વાદળી દોરો ધારણ કરી લેવો. દીવા ધૂપ કરી ગુરુ અને શનિના બીજ મંત્રની માળા અવશ્ય કરવી.

હવે અમે એવી રાશિના જાતકોની વાત કરીશું કે, જે લોકો શનિની પનોતીના સંકટ કે સકંજામાં નથી પણ ભવિષ્યમાં તેમના પર પણ પનોતીનું સંકટ આવે તેનો ઉપાય અત્યારથી જ બતાવી દઈએ.

મેષ રાશિના જાતકોએ ઉપર જણાવ્યા અનુસાર લાલ દોરો + વાદળી દોરો, વૃષભ રાશિના જાતકોએ ગુલાબી + વાદળી દોરો, મિથુન રાશિના જાતકોએ લીલો + વાદળી દોરો, સિંહ રાશિના જાતકોએ કેસરી +વાદળી દોરો, કન્યા રાશિના જાતકોએ લીલો +વાદળી દોરો, તુલા રાશિના જાતકોએ ગુલાબી +વાદળી દોરો, ધન રાશિના જાતકોએ પીળો +વાદળી દોરો ધારણ કરવો.

અહી જણાવેલો પ્રયોગ પનોતી કાળ સિવાય પણ શનિના કષ્ટ, પીડાથી મુક્ત થવા કોઈપણ દિવસે કોઈપણ રાશિના જાતક કરી શકે છે. પરંતુ ધુળેટીના દિવસે આ પ્રયોગ રંગને વૈજ્ઞાનિક ઢબે વધુ બળવાન બનાવે છે. આ એક અનુભૂત અને વૈજ્ઞાનિક પ્રયોગ છે જેનાથી દરેક રાશિના જાતકને અવશ્ય લાભ થાય જ છે....તો વાચકમિત્રો, આ લેખને શાંતિપૂર્વક વાંચો અને તમારા જીવનને વધુ શ્રેષ્ઠ બનાવો. (આ લેખ (drpanckaj@gmail.com)