બાઇડનની ઇફ્તારમાં મુસ્લિમો ન આવ્યા:ગાઝા યુદ્ધમાં ઈઝરાયલના સમર્થન કરવા પર નારાજ, વ્હાઈટ હાઉસે રમઝાન સેલિબ્રેશન કેન્સલ કર્યું

વોશિંગ્ટન27 દિવસ પેહલા
  • કૉપી લિંક

ગાઝામાં ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયલને સમર્થન આપવા બદલ અમેરિકન મુસ્લિમ નેતાઓ બાઇડન પ્રશાસનથી નારાજ છે. જેના કારણે વ્હાઇટ હાઉસમાં રમજાનની ઉજવણી પર પણ અસર પડી છે. અમેરિકાના મુસ્લિમ નેતાઓએ બાઇડનની ઈફ્તાર પાર્ટીનું આમંત્રણ નકારી કાઢ્યું હતું. આ કારણે બાઇડને રમઝાનની ઉજવણી રદ કરવી પડી હતી.

જ્યારે ગયા વર્ષે વ્હાઇટ હાઉસમાં યોજાયેલી રમઝાન પાર્ટીમાં લોકોએ બાઇડનને આઇ લવ યુ કહ્યું હતું. આ વખતે સ્થિતિ સાવ વિપરીત છે. મુસ્લિમોએ વ્હાઇટ હાઉસની બહાર વિરોધ કર્યો અને નમાઝ અદા કરી. બાઇડને તેના રમઝાન રાત્રિભોજન માટે વ્હાઇટ હાઉસમાં કામ કરતા મુસ્લિમ અધિકારીઓને એકત્ર કરવા પડ્યા હતા.

જોકે, આ અધિકારીઓ સાથે ડિનર પહેલા બાઇડને કેટલાક મુસ્લિમ નેતાઓ સાથે બેઠક કરી હતી. ન્યૂઝ એજન્સી રોયટર્સ અનુસાર, આ બેઠકમાં મુસ્લિમ નેતાઓએ ગાઝામાં યુદ્ધ પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. કેટલાક તો અધવચ્ચે જ સભા છોડી ગયા હતા.

ઇઝરાયલને સમર્થન આપવાના વિરોધમાં વ્હાઇટ હાઉસની બહાર નમાઝ અદા કરતા મુસ્લિમો.
ઇઝરાયલને સમર્થન આપવાના વિરોધમાં વ્હાઇટ હાઉસની બહાર નમાઝ અદા કરતા મુસ્લિમો.

'ડિનર કરતી વખતે ભૂખમરાની વાત કેવી રીતે કરવી'
પેલેસ્ટિનિયન-અમેરિકન ડૉક્ટર થાયર અહેમદ પણ બાઇડનને મળ્યા હતા. તેમણે કહ્યું કે ડિનર ટેબલ પર જમતી વખતે તમે ભૂખ વિશે કેવી રીતે વાત કરી શકો. ડો.અહેમદે બાઇડનને કહ્યું કે ઈઝરાયલ ગાઝામાં નરસંહાર કરી રહ્યું છે.

તેમણે અમેરિકી રાષ્ટ્રપતિને રફાહમાં રહેતી 8 વર્ષની બાળકીનો પત્ર બતાવ્યો. જેમાં તેણે લખ્યું છે કે તે દરરોજ રાત્રે આ ડરથી સૂઈ જાય છે કે કોણ જાણે ક્યારે તેના તંબુઓને કચડી નાખશે. પત્રમાં બાળકીએ લખ્યું હતું કે ગાઝાના બાળકો પણ દુનિયાના બાળકોની જેમ શાંતિથી જીવવા માંગે છે. બાઇડન સાથે 6 મિનિટની ચર્ચા બાદ જ અહેમદે મીટિંગ છોડી દીધી હતી.

અહેમદ ઉપરાંત, પેલેસ્ટાઇનમાં લોકોની સારવાર કરનારા વધુ ત્રણ ડોકટરો બાઇડનને મળ્યા. મુસ્લિમ નેતાઓ સાથેની બેઠકમાં બાઇડન ઉપરાંત યુએસ વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને યુએસ ફર્સ્ટ લેડી જીલ બાઇડન અને યુએસ નેશનલ સિક્યુરિટી એડવાઈઝર (NSA) જેક સુલિવાન પણ હાજર હતા. બુધવારે, જ્યારે સુલિવાનને મીટિંગના અપડેટ્સ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો. તેમણે કહ્યું કે આ બેઠક ખાનગી હતી.

રફાહમાં ઇઝરાયલી બોમ્બ ધડાકા બાદ કાટમાળ ઉપર ઉભા રહેલા લોકો.
રફાહમાં ઇઝરાયલી બોમ્બ ધડાકા બાદ કાટમાળ ઉપર ઉભા રહેલા લોકો.