સ્કૂલોનું હસ્તાંતરણ:અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાની કુલ 103 પ્રાથમિક શાળાઓને AMCમાં મર્જ કરી દેવાઈ

અમદાવાદ3 વર્ષ પેહલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • અમદાવાદ જિલ્લાના 95 સ્કૂલોના 937 શિક્ષકોમાંથી 882 શિક્ષકોએ ટ્રાન્સફર માટે સંમતિ દર્શાવી
  • ગાંધીનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળની ચાંદખેડા તથા મોટેરા વોર્ડની 8 સ્કૂલોને AMC હસ્તક કરાઈ

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે ગત વર્ષે ઓગસ્ટમાં અમદાવાદ જિલ્લા પંચાયત હેઠળ ચાલી રહેલી સ્કૂલોને AMC હસ્તક લઈ જવા માટેનો ઠરાવ કર્યો હતો. આ ઠરાવ પ્રમાણે AMC દ્વારા હસ્તાંતરણની પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેથી હવે જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હસ્તકની 95 સ્કૂલો AMC હસ્તક ચાલશે. જેમાં 882 શિક્ષકોને ટ્રાન્સફર કરવામાં આવશે. AMCમાં હવે 103 સ્કૂલોનો ઉમેરો થતાં હવે 1.6 લાખથી વધુ બાળકો અભ્યાસ કરશે.

આ પ્રક્રિયા બાદ શિક્ષકોને જિલ્લા પંચાયત શિક્ષકોને અમદાવાદ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ટ્રાન્સફર માટે વિકલ્પ આપવામાં આવ્યો હતો. જેમાં કુલ 95 સ્કૂલોના 937 શિક્ષકોમાંથી 882 શિક્ષકોએ ટ્રાન્સફર માટે સંમતિ દર્શાવી હતી. તેમની સંમતિ બાદ હવે 882 શિક્ષકો હવે કોર્પોરેશનમાં સ્કૂલ બોર્ડ હેઠળ ગણાશે અને તેમનો પગાર પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. તે ઉપરાંત 55 શિક્ષકોએ જિલ્લા પંચાયતની સમિતિની સ્કૂલોમાં જ રહેવા સ્વીકાર્યું હતું. તેમને અન્ય સરકારી પ્રાથમિક સ્કૂલોમાં જ્યાં ઘટ હશે ત્યાં મોકલવામાં આવશે.

ગાંધીનગર જિલ્લાની 8 પ્રાથમિક સ્કૂલો પણ AMC હસ્તક આવી
અમદાવાદ જિલ્લાની 95 સ્કૂલોની સાથે હવે ગાંધીનગર જિલ્લાની 8 સરકારી પ્રાથમિક સ્કૂલો પણ AMC હસ્તક આવી ગઈ છે. ગાંધીનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ હેઠળની ચાંદખેડા તથા મોટેરા વોર્ડની 8 સ્કૂલોને AMCમાં ભેળવવામાં આવી છે.