• Gujarati News
  • Utility
  • Even After Death From Corona, The Nominee Will Get The Benefit Of PM Jeevan Jyoti Vima Yojana, Which Includes Insurance Of Rs 2 Lakh For Rs 330.

કામના સમાચાર:કોરોનાથી મૃત્યુ બાદ પણ નોમિનીને PM જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ મળશે, તેમાં 330 રૂપિયામાં 2 લાખનો વીમો મળે છે

3 વર્ષ પેહલા
  • કૉપી લિંક

કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના (PMJJBY)ના નામથી એક વર્ષની વીમા યોજના ચલાવે છે. યોજનામાં લાભાર્થીનું કોઈપણ રીતે મૃત્યુ થવા પર નોમિની અથવા પરિવારને 2 લાખ રૂપિયાની રકમ મળે છે. એટલે જો કોઈ વ્યક્તિનું કોરોનાથી પણ મૃત્યુ થઈ જાય છે તો વીમાધારકના નોમિની અથવા પરિવારને વીમાની 2 લાખ રૂપિયાની રકમ મળશે.

PMJJBY કેવી રીતે લઈ શકાય છે?
PMJJBYનો લાભ લેવા માટે અરજદાર પાસે બેંક ખાતું હોવું જોઈએ. આ બેંક ખાતું સરકારી અથવા પ્રાઈવેટ બેંકમાં હોઈ શકે છે. ત્યારબાદ અરજદારને PMJJBYને લાભ લેવા માટે અરજી કરવી પડશે.

PMJJBY માટે લાયકાત?

  • અરજદાર ભારતીય નાગરીક હોવો જોઈએ.
  • અરજદારની ઉંમર 18થી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
  • જો બેંક ખાતું જોઈન્ટ છે તો બંનેનો વીમા લાભ લેવા માટે જુદી જુદી અરજી કરવી પડશે.
  • વીમો લેવા માટે અરજદારને મેડિકલ તપાસની જરૂર નથી.

ક્યાર સુધી વીમાનો લાભ મળશે?
અરજદારની ઉંમર 55 વર્ષની થાય ત્યાં સુધી આ વીમા યોજનાનો લાભ મળશે. તમારી ઉંમર 55 વર્ષથી વધુ હોવા પર, તમને આ વીમા યોજનાનો લાભ મળશે નહીં.

કેટલું પ્રીમિયમ આપવું પડશે?
PMJJBYનો લાભ લેવા માટે દર વર્ષે 330 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડે છે. જો કોઈ વ્યક્તિ સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન વીમો લે છે તો પહેલી વખતમાં 258 રૂપિયા આપવા પડશે. ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન વીમો લેવા પર પહેલી વખત 172 રૂપિયા આપવા પડશે. માર્ચથી મે દરમિયાન વીમો લેવા પર પહેલી વખત 86 રૂપિયા આપવા પડશે. ત્યારબાદ દર વર્ષે 330 રૂપિયાનું પ્રીમિયમ ચૂકવવું પડશે. પ્રીમિયમની આ રકમ 25 મેથી 31 મે દરમિયાન તમારા ખાતામાંથી આપોઆપ કટ કરવામાં આવશે. તેના માટે અરજદારને તેની સંમતિ આપવી પડશે.

કેવી રીતે ઈન્શ્યોરન્સ ક્લેમ મળે છે?
નોમિનીએ તે બેંકમાં ક્લેમ કરવો પડશે, જ્યાં સંબંધિત વ્યક્તિનો ઈન્શ્યોરન્સ હતો. ડેથ સર્ટિફિકેટ જમા કરાવવું પડશે. ડિસ્ચાર્જ રિસિપ્ટની સાથે બીજા જરૂરી દસ્તાવેજો આપવાના હોય છે.

ક્યારે વીમા યોજનાનો લાભ નહીં મળે?

  • લાભાર્થીની ઉંમર 55 વર્ષ કરતાં વધારે હોવા પર.
  • પ્રીમિયમ માટે પૂરતુ બેલેન્સ ન હોવા પર બેંક અકાઉન્ટ બંધ થવાના કિસ્સામાં.
  • જો લાભાર્થીનું ઘણી બેંકોમાં ખાતું છે તો વીમા કવર માત્ર 2 લાખ રૂપિયાનું જ મળશે. અન્ય બેંક ખાતાના વીમા કવરને કેન્સલ કરવામાં આવશે અને પ્રીમિયમની રકમ પરત કરવામાં આવશે.
  • આ યોજનામાં દર વર્ષે 31 મે સુધી વીમા કવર મળે છે.

કેવી રીતે યોજનાનો લાભ લઈ શકાય છે?
તમે http://www.jansuraksha.gov.in વેબસાઈટ દ્વારા તેનું ફોર્મ ડાઉનલોડ કરીને ડિટેઈલ ભરીને બેંક અથવા ઈન્શ્યોરન્સ કંપનીમાં જમા કરાવી શકો છો. જો કોઈ અકાઉન્ટ હોલ્ડરનું એકથી વધુ બેંકમાં સેવિંગ અકાઉન્ટ છે તો પણ તે માત્ર એક જ વખત ઈન્શ્યોરન્સનો લાભ લઈ શકશે. તે સિવાય જો તમે અન્ય કેટલીક જાણકારી પ્રાપ્ત કરવા માગો છો તો ટોલ ફ્રી નંબર 1800-180-1111 / 1800-110-001 પર કોલ કરી શકો છો.

ક્યારે આ યોજના શરૂ થઈ હતી
PMJJBY એક ટર્મ ઈન્શ્યોરન્સ પ્લાન છે. સરકારે 9 મે 2015ના રોજ આ વીમા યોજનાની શરૂઆત કરી હતી. ટર્મ ઈન્શ્યોરન્સમાં પોલિસી લેનારના મૃત્યુ બાદ જ લાભ મળે છે. જો પોલિસી ધારક સમય પૂર્ણ થયા પછી પણ સ્વસ્થ હોય તો તેને કોઈ લાભ નથી મળતો.