Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > બિઝનેસ સમાચાર > આ ગુજરાતીએ ૧૦,૦૦૦ની લોનમાંથી કેવી રીતે ફેલાવ્યો ૨૪,૦૦૦ કરોડનો ધંધો

આ ગુજરાતીએ ૧૦,૦૦૦ની લોનમાંથી કેવી રીતે ફેલાવ્યો ૨૪,૦૦૦ કરોડનો ધંધો

13 April, 2014 04:40 AM IST |

આ ગુજરાતીએ ૧૦,૦૦૦ની લોનમાંથી કેવી રીતે ફેલાવ્યો ૨૪,૦૦૦ કરોડનો ધંધો

આ ગુજરાતીએ ૧૦,૦૦૦ની લોનમાંથી કેવી રીતે ફેલાવ્યો ૨૪,૦૦૦ કરોડનો ધંધો




સન્ડે-સ્પેશ્યલ - આર્યન મહેતા

નામ : દિલીપ સંઘવી

ગામ : અમરેલી, ગુજરાત

જન્મ : ૧ ઑક્ટોબર, ૧૯૫૫

સ્થળ : અમરેલી

જ્ઞાતિ : કપોળ વણિક

સન ફાર્માસ્યુટિકલ્સ કંપનીના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર દિલીપ સંઘવીની જીવનયાત્રા પર એક નજર કરીએ...

દિલીપભાઈના જન્મ પછી તેમના પિતા ધંધાર્થે કલકત્તા શિફ્ટ થઈ ગયા હોવાથી તેમનું સ્કૂલિંગ અને કૉલેજ બધું જ કલકત્તાથી થયું. ભવાનીપુર ગુજરાતી એજ્યુકેશન સોસાયટીની જે.જે. અજમેરા હાઈ સ્કૂલમાં ગુજરાતી માધ્યમમાં સ્કૂલનો અભ્યાસ કર્યો. યુનિવર્સિટી ઑફ કલકત્તામાંથી BComની ડિગ્રી મેળવી.

દિલીપભાઈના પિતા શાંતિલાલભાઈ કલકત્તામાં જેનરિક અને બ્રૅન્ડેડ દવાઓનો હોલસેલ વેપાર કરતા હતા. સ્કૂલમાં હતા ત્યારે તેમને દવાના ધંધામાં ખાસ દિલચસ્પી નહોતી, કૉલેજમાં આવ્યા પછી તેમણે પપ્પાની દુકાને જવાનું શરૂ કર્યું. પપ્પાની મદદ કરવાની સાથે-સાથે ગ્રાહકોની ડિમાન્ડ અને ધંધાની નાડ પારખવાનું શરૂ કરી દીધું.

કૉલેજ પછી થોડાંક વષોર્ પપ્પાનો હોલસેલનો વેપાર સંભાળ્યો એ દરમ્યાન તેમને સમજાયું કે જેનરિક અને બ્રૅન્ડેડ દવાઓના ભાવમાં આસમાન-જમીનનો તફાવત હતો. તેમને થયું કે બીજી કંપનીઓની બ્રૅન્ડેડ મોંઘી દવાઓ વેચીને એ કંપનીઓને નફો રળી આપવાને બદલે જાતે જેનરિક દવાઓ બનાવવાથી બેઉ ફાયદા થશે : ગરીબોને સસ્તા ભાવે દવા મળશે અને કંપનીને મોટો ધંધો. આ વિચાર તેમના માટે ટર્નિંગ પૉઇન્ટ સાબિત થયો.

મોટા ઇન્વેસ્ટમેન્ટ માટે પોતાના પૈસા તો હતા નહીં એટલે પપ્પાના બિઝનેસમાંથી ૧૦,૦૦૦ રૂપિયાની લોન લીધી. ૧૯૮૨માં તેમણે પાંચ સાઇકિયાટ્રિક જેનરિક દવાઓ બનાવવાથી શરૂઆત કરી. ફ્રેન્ડ શશીકાંત સંઘવીના કારખાનામાં તેમણે ઑર્ડરથી દવાઓ મૅન્યુફેક્ચર કરાવી. આ દવાઓ બીજી કોઈ મલ્ટિનેશનલ કંપનીઓ બનાવતી નહોતી કેમ કે તેમની જે-તે રોગો માટેની બ્રૅન્ડેડ દવાઓની ડિમાન્ડ સારીએવી હતી. દિલીપભાઈનો પ્લાન માત્ર આવી દવાઓ મૅન્યુફેક્ચર કરીને પોતાની હાજરી નોંધાવવાનો હતો.

માર્કેટિંગ માટે માત્ર બે કર્મચારીઓની ટીમ રાખેલી હતી. પહેલા જ વર્ષે પાંચ દવાઓથી સાત લાખનો બિઝનેસ તેમણે મેળવ્યો. તેમને લાગ્યું કે તેમણે પોતાની મોટી ફૅક્ટરી નાખીને દવાઓની સંખ્યા અને ક્વૉન્ટિટી બન્ને વધારવાં જોઈએ.

૧૯૮૨માં તેમણે ગુજરાતના વાપીમાં જ્યાં અનેક કેમિકલ કારખાનાંઓ છે ત્યાં દવા બનાવવાનું કારખાનું નાખવાનો પ્લાન બનાવ્યો. જેમને ત્યાં તેઓ દવાઓ બનાવડાવતા હતા એ જ શશિકાંત સંઘવી પાસેથી બીજી લોન લઈને વાપીમાં કારખાનાંનો પ્લાન્ટ નાખ્યો. એ વખતે બૅન્કમાંથી મોટી લોન લેવામાં પણ શશિકાંત ભાઈએ જ તેમને સહારો આપ્યો હતો.

એ વખતે દવાબજારમાં મલ્ટિ-નૅશનલ કંપનીઓનું જ વર્ચસ હતું. લોકલ મૅન્યુફેક્ચરર્સ માટે ડૉક્ટરને ભરોસો નહોતો બેસતો. દિલીપભાઈએ મૅન્યુફેક્ચરિંગ યુનિટ નાખતાં પહેલાં ડૉક્ટરોને ઇન્ડિયન કંપનીમાં ભરોસો બેસાડવા તેમ જ દવાઓની જરૂરિયાત સમજવા માટેની એક ટીમ તૈયાર કરી. કઈ દવાઓ બનાવવી એની નાડ પારખવા માટે તેમણે રિપ્રેઝન્ટેટિવ્સની એક ટીમને ડાયરેક્ટ ફિઝિશ્યનો પાસેથી ઓપિનિયન લેવા છૂટી મૂકી. દવા બનાવ્યા પછી જેમ-તેમ કરીને માર્કેટમાં ચલાવવી એના કરતાં જે ડૉક્ટરો પ્રિસ્ક્રાઇબ કરે છે તેમનો સર્વે કર્યા પછી જ તેઓ નવી દવા માર્કેટમાં મૂકવાની નીતિને કારણે તેમને ઘણો જ ફાયદો થયો.

૧૯૮૭માં તેમણે હૃદયની સારવાર અને પેટના રોગો માટેની દવાઓ લૉન્ચ કરી. હાલમાં સન ફાર્મા સાઇકિયાટ્રિક, ન્યુરોલૉજી, કાર્ડિયોલૉજી, ઑથોર્પેડિક, ઑફ્થેલ્મોલૉજી, ગૅસ્ટ્રોએન્ટરોલૉજી અને કિડનીની દવાઓ બનાવવામાં સૌથી મોખરે છે.

૨૦૦૭ની સાલમાં જ્યારે સન ફાર્માનું ટર્ન ઓવર ૨૯.૬ કરોડ ડૉલરનું હતું ત્યારે તેમણે ૪૫.૪ કરોડ ડૉલરનું ટર્નઓવર ધરાવતી ઇઝરાયલની કંપની ખરીદવાનું જિગર બતાવ્યું હતું.

રૅનબૅક્સી કંપનીને ખરીદતાં પહેલાં દિલીપ સંઘવી સન ફાર્મા કંપનીમાં ૬૪ ટકા હિસ્સાની માલિકી ધરાવતા હતા, જે હવે ઘટીને ૫૫ ટકા જેટલો થઈ જશે.

અમરેલીના સુદર્શન નેત્રાલયનો વહીવટ પણ દિલીપ સંઘવીના પારિવારિક ટ્રસ્ટ નાગરદાસ ધનજી સંઘવી ચૅરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ હૉસ્પિટલ સેવાના ઉદ્દેશથી ચાલી રહી છે એટલે આવકમાં જે પણ ઘટ પડે એ ખોટ સંઘવી પરિવાર તરફથી જ પૂરી પાડવામાં આવે છે.

દિલીપ સંઘવી સન ફાર્માસ્યુટિકલ ઍડવાન્સ્ડ રિસર્ચ કંપની લિમિટેડના પણ ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર છે. આ એક ઇન્ટરનૅશનલ ફાર્માસ્યુટિકલ કંપની છે જે દવાઓના રિસર્ચ અને ડેવલપમેન્ટના કામ સાથે સંકળાયેલી છે. ૨૦૦૭માં શરૂ થયેલી આ કંપની ભારતના સ્ટૉક માર્કેટની સૌથી પહેલી લિસ્ટેડ કંપની છે જે માત્ર અને માત્ર સંશોધન અને વિકાસ સાથે સંકળાયેલી છે. 

સન ફાર્મા કંપનીની ભારતમાં ૧૦ અને અમેરિકામાં ૮ ફૅક્ટરીઓ છે. એ ઉપરાંત ઇઝરાયલ, મેક્સિકો, બ્રાઝિલ, કૅનેડા અને બંગલાદેશમાં પણ ફૅક્ટરીઓ આવેલી છે.

પત્ની સામે શું બડાશ હાંકતા?

તેમની પત્ની વિભા ફાર્માસિસ્ટ છે. તેમણે પ્રેમલગ્ન કર્યા છે. જ્યારે તેઓ મેડિસિન ડિસ્ટ્રિબ્યુટર તરીકે કામ કરતા હતા ત્યારે વિભાને ઇમ્પ્રેસ કરવા માટે બડાશ હાંકતા હતા કે તું મારા પર વિશ્વાસ તો કરી જો, હું એક દિવસ ૧ કરોડનું ટર્નઓવર કરે એવી દવા કંપની બનાવીશ.

દિલીપભાઈ અને તેમનો આખો પરિવાર હૅરી પૉટરનો નખશિખ ચાહક છે. બજારમાં હૅરી પૉટરનું કોઈ પણ નવું પુસ્તક આવે તો તેમના પરિવારમાં એની એક નહીં, ત્રણ નકલો આવે. એક દિલીપભાઈ માટે અને બીજી દીકરા આલોક અને ત્રીજી દીકરી વિધિ માટે.

સોદાને કારણે બદલાયેલી નંબરગેમ

થોડાક દિવસ પહેલાં તેમની કંપનીએ ૩.૨ અબજ ડૉલર એટલે કે આશરે ૧૯,૫૦૦ કરોડ રૂપિયામાં રેનબૅક્સી લેબોરેટરીઝ કંપની ખરીદી લેતાં હવે બન્ને કંપનીઓનું સંયુક્ત માર્કેટ કૅપ ૮૦,૦૦૦ કરોડ રૂપિયાનું થશે.

સન ફાર્મા અમેરિકામાં દવા બનાવતી સૌથી મોટી ભારતીય કંપની બની ગઈ છે.

ટર્નઓવર વધવાની સાથે હવે સન ફાર્મા જેનરિક દવાઓ બનાવતી વિશ્વની પાંચમા નંબરની સૌથી મોટી કંપની બની જશે.

આ સોદાની સાથે દિલીપ સંઘવીએ સૌથી ધનિકોની યાદીમાં અઝીમ પ્રેમજીને ચોથા નંબરે ધકેલીને ત્રીજું સ્થાન મેળવી લીધું છે.


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2014 04:40 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK