For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

હિંદુફોબિયા ઠરાવ : હિંદુઓ સામેના હેટ-ક્રાઈમ્સને તમાચો

Updated: Apr 2nd, 2023

હિંદુફોબિયા ઠરાવ : હિંદુઓ સામેના હેટ-ક્રાઈમ્સને તમાચો

- અમેરિકામાં હિંદુઓ વિરુદ્ધ માહોલ ઊભો કરવાના સુનિયોજિત પ્રયત્ન ખૂલ્લા પડયાં 

- જ્યોર્જિયા સ્ટેટ એસેમ્બલીએ હિંદુફોબિયા ઉભો કરવાની પ્રવૃત્તિને વખોડતો સત્તાવાર ઠરાવ પસાર કર્યો છે.. અમેરિકામાં આ પ્રકારનો ઠરાવ પસાર કરનારું જ્યોજયા પહેલું રાજ્ય છે. હિંદુફોબિયા અને હિંદુ વિરોધી કટ્ટરતાની આકરી ટીકા કરતા આ ઠરાવમાં હિંદુ ધર્મને વિશ્વનો સૌથી મોટો અને જૂના ધર્મો પૈકી એક ગણાવાયો છે. લગભગ 100 દેશોમાં વસેલા 120 કરોડ લોકો હિંદુ ધર્મ પાળે છે. હિંદુ ધર્મમાં પરસ્પર આદર, શાંતિ અને સ્વીકૃતિનાં મૂલ્યો છે એવો આ ઠરાવમાં ઉલ્લેખ છે.

કેનેડા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા સહિતના દેશોમાં છેલ્લા કેટલાક સમયથી હિંદુ મંદિરો પર હુમલાની ઘટનાઓ વધી છે. આ દેશોમાં હિંદુઓને નિશાન બનાવીને સોશિયલ મીડિયા પર ગંદી વાતો લખવાનું પ્રમાણ પણ વધ્યું છે. સામાન્ય લોકોમાં હિંદુઓ તરફ નફરત ફેલાય એ પ્રકારનો માહોલ ઉભો કરવાનો સુનિયોજિત પ્રયત્ન થઈ રહ્યો હોય એવું લાગે એવું વાતાવરણ પેદા કરાઈ રહ્યું છે. 

આ બધા દેશોમાં આ પ્રકારની ઘટના બને ત્યારે સત્તાવાળા તેની ટીકા કરતા હોય છે અને ગુનેગારો સામે પગલાં ભરવાની વાતો કરતા હોય છે. આ મુદ્દો કાયદો અને વ્યવસ્થાનો હોય એ પ્રકારનું એમનું વલણ હોય છે. આ બધું  હિંદુ વિરોધી માનસિકતા પ્રબળ બનાવવા મથતાં તત્વોનું કારસ્તાન છે એવું ખુલ્લેઆમ કોઈ સ્વીકારતું નથી ત્યારે અમેરિકાના જ્યાર્જિયા સ્ટેટે એક પહેલ કરી છે.

જ્યોર્જિયા સ્ટેટની એસેમ્બલીએ હિંદુફોબિયા ઉભો કરવાની પ્રવૃત્તિને વખોડતો સત્તાવાર ઠરાવ પસાર કર્યો છે. હિંદુફોબિયા ઉભો કરવો એટલે સામાન્ય લોકોમાં હિંદુઓનો ડર પેદા કરવો. અમેરિકામાં આ પ્રકારનો ઠરાવ પસાર કરનારું જ્યોર્જિયા પહેલું રાજ્ય છે. અમેરિકામાં હિંદુ વિરોધી માનસિકતા પ્રબળ બનાવવા માટે ધમપછાડા કરાઈ રહ્યા હોવાનો સ્વીકાર આ ઠરાવ દ્વારા કરાયો છે.

હિંદુફોબિયા અને હિંદુ વિરોધી કટ્ટરતાની આકરી ટીકા કરતા આ ઠરાવમાં હિંદુ ધર્મને વિશ્વનો સૌથી મોટો અને જૂના ધર્મો પૈકી એક ગણાવાયો છે. લગભગ ૧૦૦ દેશોમાં વસેલા ૧૨૦ કરોડ લોકો હિંદુ ધર્મ પાળે છે. હિંદુ ધર્મમાં પરસ્પર આદર, શાંતિ અને સ્વીકૃતિનાં મૂલ્યો છે એવો આ ઠરાવમાં ઉલ્લેખ છે. આ ઉપરાંત વૈવિધ્યસભર પરંપરાઓ અને માન્યતાઓ ધરાવતી વ્યવસ્થા અને પરંપરાનો પણ ઉલ્લેખ છે. 

અમેરિકામાં જે શહેરોમાં નોંધપાત્ર પ્રમાણમાં હિંદુઓ રહે છે તેમાં એક એટલાન્ટા છે. એટલાન્ટાની ફોરસીથ કાઉન્ટીના જનપ્રતિનિધીઓ ટોડ જોન્સ અને લૌરેન મેકડોનાલ્ડે રજૂ કરેલા ઠરાવમાં હિંદુઓએ મેડિસિન, સાયન્સ, એન્જીનિયરિંગ, ઈન્ફર્મેશન ટેકનોલોજી, હોસ્પિટાલિટી, ફાયનાન્સ, શિક્ષણ સહિતનાં ક્ષેત્રોમાં આપેલા યોગદાનની પ્રસંશા કરાઈ છે. સાથે સાથે હિંદુઓએ યોગ, આયુર્વેદ, ધ્યાન, ભોજન, સંગીત, કલા વગેરેની અનોખી પરંપરા દ્વારા વિશ્વને સમૃધ્ધ બનાવવામાં આપેલા યોગદાનને પણ યાદ કરાયું છે.

આ ઠરાવમાં બીજી ઘણી વાતો છે ને તમામનો ઉલ્લેખ શક્ય નથી કેમ કે ઠરાવ પસાર કરાયો તેના જેટલો જ મહત્વનો મુદ્દો આ પ્રકારનો ઠરાવ કેમ લાવવો પડયો એ છે. ઠરાવમાં જ ઉલ્લેખ છે કે, છેલ્લા કેટલાક દાયકાઓમાં અમેરિકાના ઘણા વિસ્તારોમાં હિંદુ-અમેરિકન સામે હેટ ક્રાઈમ્સ એટલે નફરતની લાગણીથી કરાતા હુમલા સહિતના અપરાધોની ઘટનાઓ નોંધાઈ છે પણ હવે હિંદુ વિરોધી માનસિકતા વધુ પ્રબળ બનાવવા પ્રયત્નો કરાઈ રહ્યા છે. શૈક્ષણિક સંસ્થાઓમાં બેઠેલા કેટલાક લોકોએ હિંદુફોબિયાને સંગઠનનું રૂપ આપી દીધું છે અને હિંદુત્વને ખતમ કરવા પ્રયત્ન કરી રહ્યા છે. હિંદુ ધર્મનાં પવિત્ર પુસ્તકો તથા સાંસ્કૃતિક પરંપરાઓ હિંસા તથા અત્યાચારને પોષે છે એવું સ્થાપિત કરવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે. 

આ ઠરાવમાં એક મર્યાદામાં રહીને અમેરિકામાં હિંદુઓ વિરોધી કેવો માહોલ પેદા કરાઈ રહ્યો છે તેની વાત કરી દેવાઈ છે. આ પ્રયત્નો કોણ કરે છે તેનો ઉલ્લેખ નથી કેમ કે સરકારી ઠરાવમાં એ રીતે કોઈની સામે પુરાવા વિના આંગળી ના ચીંધી શકાય પણ જે કહેવાનું છે એ કહી જ દેવાયું છે. 

જ્યાર્જિયા એસેમ્બલીએ તો અત્યારે ઠરાવ પસાર કરીને હિંદુઓના યોગદાનને વખાણ્યું પણ હિંદુઓ બહુ પહેલાં જ સાબિત કરી ચૂક્યા છે કે, દુનિયામાં ધાક ઉભી કરવામાં કે લોકોને ડરાવવામાં તેમને રસ જ નથી. હિંદુફોબિયા શબ્દ જ હાસ્યાસ્પદ છે. હિંદુઓમાં કટ્ટરવાદીઓ નથી એવું નથી પણ આ કટ્ટરવાદીઓ પોતાની માન્યતા પૂરતા છે. પોતાના કટ્ટરવાદને દુનિયા પર થોપવા નથી માંગતા કે તેના માટે કોઈની હત્યા પણ કરતા નથી.

દુનિયામાં જાત જાતના આતંકવાદ છે. ધર્મના નામે, સંપ્રદાયના નામે, પ્રાદેશિકતાના નામે એમ અલગ અલગ આતંકવાદ છે. ઈસ્લામના નામે આતંકવાદ ફેલાવતાં સંગઠનોનો તો રાફડો છે. ખ્રિસ્તી આતંકવાદી સંગઠનો પણ છે. 

શાંતિ અને ભાઈચારાનો સંદેશો આપનારા ભગવાન બુધ્ધના બૌધ્ધ ધર્મના નામે પણ આતંકવાદ ચાલે છે પણ ક્યાંય હિંદુઓનું આતંકવાદી સંગઠન નથી. હિંદુઓ પોતાની ધાક ઉભી કરીને કોઈને પોતાની ઈચ્છા પ્રમાણે વર્તવાની ફરજ પાડવામાં માનતા જ નથી. 

અમેરિકામાં રહેતા હિંદુઓ તો સાવ જ નિરૂપદ્રવી પ્રજા છે. આ  હિંદુ-અમેરિકનને નિશાન બનાવીને થતા હેટ ક્રાઈમ્સ તો કોઈનો ખાર કોઈના પર કાઢવા જેવા છે.  હિંદુ-અમેરિકન ભારત છોડીને રોજીરોટી કમાવવા ગયા છે. એ લોકોને પોતાના કામથી કામ છે. મોટા ભાગના ભારતીયો તો અમેરિકાને અપનાવીને ત્યાંના જ થઈ રહી ગયા છે. અમેરિકાના વિકાસમાં અભૂતપૂર્વ યોગદાન આપે છે. 

ભારતીય સંસ્કૃતિ અને પરંપરાના જતન માટે તેમણે સંગઠનો બનાવ્યાં છે પણ આ સંગઠનો ધર્માંધતા ફેલાવતાં નથી કે પોતાની વાત નહીં માનનારાંને ગોળીએ દેતાં નથી. એ લોકોને વિકાસમાં રસ છે ને એ જ કરી રહ્યા છે. તેના કારણે અભૂતપૂર્વ પ્રગતિ પણ કરી રહ્યા છે. 

ડાબેરી વિચારધારા ધરાવતા લોકોથી માંડીને મુસ્લિમ કટ્ટરવાદીઓ સુધીના બધા હિંદુઓના વધતા પ્રભાવથી ચિંતિત છે. અમેરિકામાં મોટી કંપનીઓમાં ઉંચા હોદ્દા પર કે સરકારોમાં પણ ટોચના હોદ્દાઓ પર ભારતીયોનું પ્રમાણ વધી રહ્યું છે તેનાથી બધાંને ઈર્ષા થાય છે. એ લોકો હિંદુઓને સીધી રીતે પહોંચી વળતા નથી તેથી હિંદુત્વને બદનામ કરવા મથ્યા કરે છે. આ ફાંફાં મારનારાં લોકોના મોં પર જ્યાર્જિયા એસેમ્બલીએ તમાચો માર્યો છે.

અમેરિકાના હિંદુઓમાં 90 ટકા ભારતીય મૂળના

અમેરિકામાં હિંદુઓની કુલ વસતી ૪૦ લાખની આસપાસ છે. ૨૦૨૦ની અમેરિકાની વસતી ગણતરી પ્રમાણે ૨૦૨૦માં ૩૩.૩૮ લાખ હિંદુઓ હતા. આ હિંદુઓમાં મોટા ભાગના એટલે કે ૯૦ ટકા હિંદુઓ કાં ભારતથી આવેલા છે કાં ભારતીય મૂળનાં લોકોનાં સંતાનો છે. બાકીના ૧૦ ટકા લોકો બીજા ધર્મ છોડીને હિંદુત્વને અપનાવનારા અથવા બીજા દેશમાંથી આવેલા છે.

ઉદાહરણ તરીકે ૧૯૯૦ના દાયકામાં ભૂતાનના રાજાએ નેપાળી મૂળના મોટા ભાગના હિંદુઓને દેશ છોડવાની ફરજ પાડી હતી. ભૂતાન બૌધ્ધ ધર્મ પાળે છે અને હજુ પણ ભૂતાનમાં હિંદુઓની વસતી મોટા પ્રમાણમાં છે પણ નેપાળી હિંદુઓ સામે સાંસ્કૃતિક મુદ્દે વાંધો પડતો હજારો હિંદુઓએ ભૂતાનથી ભાગવું પડયું હતું. આ પૈકી થોડાક હિંદુ ભારતમાં આવ્યા પણ લગભગ ૯૦ હજાર હિંદુ અમેરિકામાં જઈને વસ્યા છે. 

અમેરિકામાં હિંદુઓની સૌથી વધારે વસતી કેલિફોર્નિયામાં છે. કેલિફોર્નિયામાં લગભગ પાંચ લાખ હિંદુઓ છે. ન્યુ જર્સીમાં લગભગ ૩ લાખ અને  ન્યુ યોર્કમાં અઢી લાખની આસપાસ હિંદુઓ રહે છે. પેન્સિલ્વાનિયા અને ઈલિનોય પણ હિંદુઓની વસતી એક લાખથી વધારે હોય એવાં સ્ટેટ છે. 

મંદિરો પર હુમલાની ઘટનાઓ વધી

અમેરિકામાં છેલ્લાં એકાદ દાયકાથી હિંદુઓ સામે નફરત પેદા કરવાની પ્રવૃત્તિએઓ વેગ પકડયો છે. તેના ભાગરૂપે ઘણાં હિંદુ મંદિરોને નિશાન બનાવીને તોડફોડ પણ કરાઈ છે. અમેરિકામાં કાયદા બહુ કડક છે તેથી ભારતમાં ધર્મ કે જ્ઞાતિના નામે ચલાવાતાં સંગઠનોના લોકો કોઈ ક્યાંય પણ ઘૂસીને તોડફોડ કરે ને છતાં કશું ના થાય એવું નથી. અમેરિકામાં તો આવી તોડફોડ કરતાં પકડાઓ એટલે આવી જ બને તેથી જાહેરમાં તોડફોડ કરવાની કોઈ હિંમત ના કરે પણ છાનામાના આવીને મંદિરોમાં તોડફોડ કરવાની પ્રવૃત્તિ વધી છે.  કેન્ટ અને સીએટલનાં મંદિરોમાં ૨૦૧૫માં ભાંગફોડ કરાઈ હતી. એ પછી ૨૦૧૫ના એપ્રિલમાં જ નોર્થ ટેક્સાસમાં એક મંદિરમાં હિંદુ વિરોધી સૂત્રો લખાયાં હતાં. બે વર્ષ પછી પિટસબર્ગમાં વેંકટેશ્વરના મંદિરમાં તોડફોડ કરીને ૧૫ હજાર ડોલરના મુગટ સહિતના દાગીના ચોરી ગયેલા. 

કેન્ચુકીના સ્વામિનારાયણ મંદિરમાં ૨૦૧૯ના જાન્યુઆરીમાં કેટલાક લોકોએ કૂચડો લગાવી દીધો હતો. મૂર્તિ પર કાળાશ લગાવીને દીવાલ પર 'જીસસ ઈઝ ધ ઓનલી ગોડ' એવું લખાણ પણ લખાયું હતું. ખ્રિસ્તી ધર્મના નિશાન જેવો ક્રોસ પણ ચિતરવામાં આવ્યો હતો.  છેલ્લા ચાર વર્ષમાં બીજી પણ આવી છૂટક ઘટનાઓ બની છે. હજુ હમણાં જ જાન્યુઆરીમાં બ્રેઝોસ વેલીમાં આવેલા શ્રી ઓમકારનાથ મંદિરમાં પણ ભાંગફોડ કરાઈ હતી.

Gujarat