For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તમાચાના આશીર્વાદ .

Updated: Oct 27th, 2023

તમાચાના આશીર્વાદ                                         .

- તમાચો ખાવામાં પણ એક અનોખી મોજ અને મસ્તી છે. જેણે તમાચો નથી ખાધો તેણે ઘણું ગુમાવ્યું છે. મેં તો જ્યારે-જ્યારે તમાચો ખાધો છે, ત્યારે-ત્યારે કંઈનું કંઈ મેળવ્યું જ છે, અને મેં અનેક તમાચા ખાધા છે, એટલે ઘણું-ઘણું મેળવ્યું છે, એમ અચૂક કહી શકું.

..અને જો એ તમાચો ન પડયો હોત તો?

બાળપણની પરાક્રમ કથાઓ કે દુષ્પરિણામ કથાઓ!

બા ળપણ એટલે તમાચા. કોઈ એવો મોટો માણસ હશે ખરો કે જેણે બાળપણમાં તમાચા નહીં ખાધા હોય?

હળવા કે ભારે, લાડના કે ગુસ્સાના, પિતાના કે માતાના, ભાઈના કે ભાભીના, કાકાના કે કાકીના, શિક્ષકના કે ગુરૃના!

એ દરેક તમાચો એક કથાનક છે, વાર્તાકાર માટે વાર્તા છે.

એ તમાચામાં લેખકને વહાલ નજરે પડે છે, બોધ ડોકાય છે, જ્ઞાનનાં દર્શન થાય છે, ભૂલેલું યાદ આવી જાય છે, સાચો માર્ગ નજરે પડી જાય છે.

બાળપણમાં પડેલા વડીલોના એ તમાચામાં હિંસા નથી હોતી. કદીક રોષ કે ક્ષણિક ગુસ્સાનો આવેશ હોય, પણ ત્યાર પછીથી જે વહાલભર્યો હાથ એ જ ગાલ પર ફરે છે, ત્યારે તમાચો ધન્ય બની જાય છે.

અને વડીલોનેય વળી તમાચા મારવાની શી જરૃર, ખુદ પોતાના જ બાળકને?

કોઈક ગરીબાઈ, લાચારી, અસમર્થતા, લઘુતા, મૂંઝવણ, અકળામણ, ઉતાવળ, અધીરાઈ, આક્રોશ....!

બાળક તે સમજે તો! અને મોટો થઈને તે જ્યારે સમજે છે, યાદ કરે છે ત્યારે તમાચાને તે ઋષિમુનિઓના આશીર્વાદ માને છે.

આ તમાચાકથાઓ રોમાંચક છે, પણ સાચી છે. તમે આયના સામે બેસીને વાંચતા હો તેવો અનુભવ થશે. તમારું બાળપણ તમારી આંખમાં દોડવા લાગશે.

તમાચો પહેલો

તમાચો!

જિંદગીમાં એ પણ એક ખાવા જેવી વસ્તુ છે.

તમાચો ખાવામાં પણ એક અનોખી મોજ અને મસ્તી છે. હું તો કહીશ જેણે તમાચો નથી ખાધો તેણે ઘણું ગુમાવ્યું છે.

મેં તો જ્યારે-જ્યારે તમાચો ખાધો છે, ત્યારે-ત્યારે કંઈનું કંઈ મેળવ્યું જ છે, અને મેં અનેક તમાચા ખાધા છે, એટલે ઘણું-ઘણું મેળવ્યું છે, એમ અચૂક હું કહી શકું.

આમ, હું ડરપોક માનવી છું. તમાચાથી ડરતો જ રહું છું. છતાં ક્યારેક જાણે-અજાણે એવાં કામ થઈ જ જાય છે કે 'સ-ટા-ક!' તમાચો આવી જ પડે છે.

ત્યારે હું ને ઈન્દુ ટયુટોરિયલ હાઈસ્કૂલમાં ભણતા હતા. ઇન્દુ આમ સીધો. પિરીયડમાં ગાબચી મારવાની એની કદી દાનત નહીં, પણ એક વાર એના ગાલ સળવળી રહ્યા હશે!

મને કહે : ''કૈસે કહૂં' ચલચિત્ર ચાલે છે. છેલ્લો દિવસ ચાલે છે. ત્રણથી છમાં ઊપડી જઈએ?'

મેં પૂછ્યું : 'પિરીયડ છોડીને?'

એ કહે : 'ત્રણ જ પિરીયડ છોડવાના છેને?'

તેમાં ફિઝિક્સના તો શિક્ષક જ આવ્યા નથી. હિસ્ટ્રી વાંચી લઈશું અને છેલ્લો પિરિયડ છે પી.ટી.(વ્યાયામ)નો. ચાલ! વાંધો નહીં આવે!'

ચિત્રપટનું નામ સાંભળી મન જરા સળવળ્યું. છતાં પૂછ્યું : 'પણ પૈસા?'

'પૈસા છે. ચાલ.' એણે કહ્યું.

અને જિંદગીમાં પહેલી વાર ચાલુ શાળાએ ચિત્રપટ જોવા ઊપડી ગયા. ટિકિટ મળી ગઈ. વટથી બેઠા પણ ખરા.

અમે રહેતા હતા સાબરમતી. સાંજના સાડા છની ગાડીમાં રોજ ઘેર જતાં એ ગાડી મળી ગઈ.

કેટલું શાંતિથી બધું પતી ગયું? અમારા આનંદનો પાર નહોતો.

'નિશાળેથી નીસરી જવું પાંસરા ઘેર' એ કહેવતની જેમ જ અમે પહોંચ્યા. જાણે સીધા નિશાળેથી જ ન જતાં હોઈએ?

પણ ઘેર પહોંચ્યા કે ધડાકો!

મોટા ભાઈએ તરત પૂછ્યું : 'કયા છબીઘરમાં પિરીયડ ભરી આવ્યા?'

'છબીઘર? એ...' આપણા મોઢામાંથી તો 'બે' નીકળી ગયું.

અદ્ભૂત આશ્ચર્યની વાત તો એ હતી કે મોટા ભાઈને ખબર કેવી રીતે પડી?

સ-ટા-ક!

એક તમાચો મોટા ભાઈએ ચોઢી દીધો. 'અમારા મનથી કે ભાઈસાહેબ ભણવા જાય છે અને ભાઈ તો 'કૈસે કહૂં'ના પિરીયડ ભરે છે, કેમ? ભણવા માટે જે જોઈએ તે બધી સગવડ આપીએ છીએ અને શ્રીમાન છબીઘરનો અભ્યાસ કરે છે? તું શું એમ સમજે છે કે અમને ખબર પડતી નથી...?'

બોલવા જેવું કંઈ હતું જ નહીં. વાત સાચી હતી.

જોકે ત્યાર બાદ પણ નવાઈની વાત તો એ હતી કે એમને ખબર પડી જ કેવી રીતે?

ત્યારે બીજે દિવસે ભાભી દ્વારા જાણવા મળ્યું કે એ જ દિવસે મોટા ભાઈ પણ પિકચર જોવા ઊપડેલા અને તેઓ પણ એ જ છબીઘરમાં હતા. સાથે જ એમના મિત્ર એટલે કે ઈન્દુના પિતા હતા.

અમે જ્યારે નીચે પિટકલાસમાં બેસી તાળીઓ પાડતા હતા, ખુશ થતા હતા, ત્યારે બરાબર ઉપરથી તેઓ અમને નીરખતા જ હતા!

ત્યાં ને ત્યાં એમણે અમને ખબર પડવા દીધી નહીં. અમારા પહેલાં જ ઘેર પહોંચી જઈ અમારી બરાબર ખબર લીધી.

જિંદગીમાં પહેલી વાર પિરીયડ છોડયાનો એ તમાચો હતો. ગાલ તો જરૃર સમસમ્યા જ, પણ તમે શું એમ માનો છો કે પછી ક્યારેય અમે પિરીયડ છોડવાનું નામ દીધું હશે?

અને જો એ તમાચો ન પડયો હોત તો?

તમાચો બીજો

બીજો તમાચો એક યાદ તાજી કરાવી જાય છે, બીજો પાઠ ભણાવી જાય છે.

ત્યારે સાબરમતી પુલ ઉપર એક પૈસો લેવામાં આવતો. જઈએ તો પૈસો, આવીએ તો પૈસો.

હવે સાઇકલ ઉપર જો જઈએ તો એક તો પુલ આખો ચાલીને જવું પડે. ઉપરથી પુલવાળાને પૈસો આપવો પડે. ગજવામાં માંડ એકાદ આનો હોય, તેમાંથી અડધો પુલવાળાને આપી દઈએ, તો મનમાં શું થતું હશે, વિચારી જુઓ તો!

એટલે પુલવાળા ઉપર જબરો ખાર. ક્યારેક તો માત્ર બે પૈસા હોય તે એને માટે અનામત રાખવા પડે!

એવા અનેક પૈસા મનમાં ખાર જમા કરતા ગયા.

એક દિવસ સાઇકલમાં હતું પંક્ચર. ગાડીમાં જવાનું થયું.

ઘરમાંથી એક જૂનો બૂટ થેલીમાં જ લઈ લીધો.

અને જેવી ગાડી પુલ ઓળંગી ગઈ, પેલા પૈસાવાળાની કૅબિન આવી કે 'લે પૈસો' કહીને છુટ્ટો જોડો ફેંક્યો તેની પર.

એ જોડો તેને વાગ્યો કે નહીં તેની ખબર નથી. કેમકે એટલી તો બહાદુરી ક્યાંથી કે સામી છાતીએ વાર કરીએ! એટલે જોડો ફેંકીને હું તો નીચે બેસી જ ગયો હતો.

પણ સાંજના ઘેર ગયો ત્યારે...

'સ-ટા-ક!'

તમાચો પડી જ ગયો.

સાચું કહું? એ એક જબરી નવાઈની વાત છે કે મોટા ભાઈને આવી ખબર પડી જ જતી. એક તો અમે અનાડી ગુનેગાર પણ ખરા જ. ઉપરથી મોટા ભાઈ અમારી ઉપર જબરી દેખરેખ રાખે. વર્તે એવી રીતે છે કે જાણે કંઈ જાણતા નથી, પણ બધું જ જાણતા હોય! સાબરમતીથી શહેરમાં આવે, ત્યારે અમને ખબર ન હોય એમ શાળામાં પણ ચક્કર મારી જાય. બીજી વિગતો જાણી જાય અને જાણવા જેવી વાત પણ જાણી જાય!

ગાડીમાં જઈએ, તો ત્યાંના રિપોર્ટ્સ પણ એમને મળતા રહે.

આટલી ત્વરાથી વાતો પહોંચી જાય એને કમનસીબ કહેવું કે બીજું કાંઈ? હું એને મારું સૌભાગ્ય જ લેખું છું, કેમકે ગુનેગાર જો પહેલાં જ ગુનામાં પકડાતો નથી, તો પછી તે આગળ ઉપર ગુનાઓ કરતો જ રહે છે. રીઢા ગુનેગાર એમાંથી જ પેદા થાય છે. દરેક ગુનેગારનો જો પહેલો ગુનો પકડાઈ જાય, તો કદાચ દુનિયામાં કોઈ જ ગુનેગાર રહે નહીં.

ખેર! પુલવાળાએ જોડો ખાધો કે નહીં તેની ખબર નથી, પણ મેં તો તમાચો ખાધો જ.

એ બાબતમાં એવી વાત બની કે સાઇકલ ઘેર. એટલે મોટા ભાઈએ તેનું પંક્ચર કરાવ્યું. પછી થયું કે 'લાવને સાઇકલ છે, ત્યારે શહેરમાં જઈ અઠવાડિયાનાં શાકભાજી જ લઈ આવું!'

ત્યારે કાંદા, બટાકા, સૂરણ, સક્કરિયાં, રતાળુ વગેરે જેવાં શાક મોટા ભાઈ જથ્થાબંધ લઈ આવતાં અને ઘરમાં તે આઠ દિવસ સુધી ચાલતાં.

જે સાઇકલે પંક્ચર પાડયું હતું, તેણે જ મારી વાતમાં પંક્ચર પાડયું.

કેમકે બપોરે મોટા ભાઈ પુલ ઉપરથી ગયા, ત્યારે જ વાતો ચાલતી હતી. પુલવાળા ભાઈ કહેતા હતા, 'જુઓને, છોકરાઓ કેટલા તોફાની થઈ ગયા છે. ગાડીમાંથી ખાસડાં મારે છે.'

એમ કહી તેણે જોડો બતાવ્યો. મોટા ભાઈ કહે : 'ભાઈ, આ જોડો મને આપશો?'પુલવાળો કહે : 'અરે! આવા જૂનાપુરાણા જોડાનો તમે શું કરશો?'

'આપો તો ખરા!' કહીને તેમણે એ જોડો પ્રાપ્ત કરી લીધો.

 ગુનેગાર હંમેશાં પગેરું મૂકતા જ જાય છે તેમ મોટા ભાઈને પગેરું મળી જ ગયું હતું. એ બૂટને મોટા ભાઈ ઓળખી જ ગયા હતા. એમણે અપાવેલા બૂટ એ જ ન ઓળખે એવું બને! અમે ઘેર પહોંચ્યા ત્યાર પહેલાં બૂટ સાથે જ એ બીજા બૂટને ગોઠવાયેલો જોઈ અમારા હાંજા ગગડી ગયા અને ગાલ ઉપર પાંચેય આંગળાનાં નિશાન પણ ચચરી રહ્યાં. 

Gujarat