સિનિયર મોસ્ટ IAS ઓફિસર એસ કે નંદા નિવૃત્ત, GSFCમાં તિવારીને વધારાનો હવાલો

PC: facebook/sknanda

ગુજરાત કેડરના 1978 બેચના આઈએએસ ઓફિસર ડો. સુદીપકુમાર નંદા તેમની સરકારી સેવાઓમાંથી વયનિવૃત્ત થયા છે. તેમનું નિવૃત્તિ પછીનું પોસ્ટિંગ ટૂંક સમયમાં થાય તેવી સંભાવના છે. હાલ તેઓ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના ચેરમેન કમ મેનેજિંગ ડિરેક્ટર તરીકે ફરજ બજાવે છે. શનિવાર ને 30મી જાન્યુઆરી તેમની સરકારી નોકરીનો છેલ્લો દિવસ હતો. તેમની જગ્યાએ વધારાની જવાબદારી એ. એમ. તિવારીને આપવામાં આવી છે. રાજ્ય સરકાર આ પોસ્ટ ઉપર ટૂંક સમયમાં કાયમી નિમણૂક કરશે.

સુદીપકુમાર નંદા કે જેઓ રાજ્યના ચીફ સેક્રેટરી તરીકેના દાવેદારમાં પ્રમુખ હતા છતાં ગુજરાત સરકારે તેમને સાઇડ ટ્રેક કરીને ગંગારામ અલોરિયાને ચીફ સેક્રેટરી બનાવ્યા હતા અને નંદાને જીએસએફસીમાં નિયુક્ત કર્યા હતા. આ કંપનીમાં તેમણે ઘણાં સુધારા કર્યા છે. છેલ્લે તેમણે જીએસએફસી તરફથી કિચન ગાર્ડનની કીટનું વિતરણ કર્યું હતું જે ઓર્ગેનિક શાકભાજીના બીજ અને ખાતર સપ્લાય કરે છે. આ સ્કીમ બહુ પ્રખ્યાત બની છે.

તાજેતરમાં કોર્પોરેટ સોશિયલ વેલ્ફેર ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડ (GSFC)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેકટર ડો. એસ. કે. નંદાને લીડરશિપ એવોર્ડથી નવાજ્યા હતા. ડો. નંદાએ જીએસએફસીનો દૂરંદેશી સીએસઆર અભિગમ અને તેના અમલીકરણ વિષય ઉપર તે સમયે કહ્યું હતું કે સીએસઆર તેના વ્યાપક સ્વરૂપે એવા વાતાવરણનું સર્જન કરે કે જેનાથી લાભાર્થીઓને જે સંસ્થા માટે તેઓ કામ કરે છે તેનું ગૌરવ અનુભવી શકે  છે. કંપનીમાં આર એન્ડ ડી ક્ષેત્રે વિવિધ વિષયોમાં 17 પેટન્ટ વિકસાવાઈ છે.

જળ વ્યવસ્થાપનમાં સંશોધન, કૃષિક્ષેત્ર, બાયોટેકનોલોજી અને પર્યાવરણ માટે સાયન્સ ફાઉન્ડેશનની સ્થાપના જમીન અને પાણીના નમૂનાનું પૃથક્કરણ, યુવા ખેડૂતોને તાલીમ શરૃ થયા છે. આ ઉપરાંત અન્ય સીએસઆર પ્રવૃત્તિઓમાં સ્થાનિક, રાજય કે રાષ્ટ્રકક્ષાએ વિવિધ ક્ષેત્રનાં કામો, મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન, વિવિધ સમાવેશ થાય છે.

પોલિટિકલ સાયન્સ સાથે એમએ થયેલા ડો. નંદા 1978માં સરકારી નોકરીમાં જોડાયા હતા. તેમણે બેચરલ ઓફ લો સાથે સ્પેશ્યલ એલએલબી, એલએલએમ અને રૂરલ ઇકોનોમિક્સ પર પીએચડી કર્યું છે. શરૂઆતમાં તેઓએ ડાંગમાં આસિસ્ટન્ટ કલેક્ટર અને કલેક્ટરની નોકરી કરી હતી. એ ઉપરાંત વડોદરા, પંચમહાલ, બનાસકાંઠા, જૂનાગઢમાં રહ્યા છે. હેલ્થમાં તેઓ ડેપ્યુટી સેક્રેટરી તરીકે 1987-88માં રહ્યા છે. તેમને વ્યક્તિગત રીતે સાત એવોર્ડ મળી ચૂક્યા છે. ઓલ ઇન્ડિયા મેનેજમેન્ટ કાઉન્સિલ અને અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશનના તેઓ સભ્ય છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp