મોકો કહાઁ ઢુંઢે બંદે?

આજકાલ સમાજમાં ફરીથી જાતજાતના બાવા–બાપુઓ સાચી કે ખોટી ચર્ચામાં છવાયા છે. વળી, ભોળાઓને બાવા–બાપુમાં પ્રભુ પાસે પહોંચવાની ‘વાટ’ દેખાતી હશે પણ નેતાઓને એમાં ‘વોટ’ દેખાય છે. નેતાઓને સંતોના સમર્થનથી કેવળ ‘મત’ જોઈતો હોય છે ને એટલે જ એ નેતાઓ આવું બધું ચાલવા દે છે.

મોકો કહાઁ ઢુંઢે બંદે?
શ્રદ્ધા–અન્ધશ્રદ્ધામાં અટવાતા આપણે

– સંજય છેલ

છેલવાણી
મરણ ને સ્મરણનું મુહુર્ત ના હોય.

એક તળાવમાં દેડકાઓ બહુ લડતાં–ઝઘડતાં. વૃદ્ધ દેડકાએ સમજાવ્યું, ‘આપણને એવા કોઈની જરુર છે જે ઈશ્વરનું પ્રતીનીધીત્વ કરે.’ પછી દેડકાઓ મળીને પ્રાર્થના કરવા માંડ્યા. એવામાં તળાવમાં ઝાડ પરથી ડાળી પડી ને પછી દેડકાઓ તરત માની બેઠા, ‘અરે વાહ, ભગવાને આટલું જલદી આપણું સાંભળી લીધું ને એક પ્રતીનીધી મોકલી આપ્યો!’ ને પછી એ સુક્કી ડાળખીને કોઈ ‘દેવદુત’ માનીને દેડકાઓ શાંતીથી જીવવા માંડ્યા.

દેડકાઓની જેમ આપણને પણ બાબા–બાપુ–ફકીર ખપે છે, ડોકું નમાવવા. માનો કે ના માનો, ઈશ્વરશ્રદ્ધા જ માણસજાતને મુશ્કેલ સમયમાં, હાડકાંતોડ હાલાતમાં ટકાવી રાખે છે. જેવી જેની જેમાં શ્રદ્ધા, એને સો–સો સલામ; પણ વારંવાર ગામેગામ ઉગી નીકળતા બાવા–બાબા–બાપુ–ભુવાઓ–પાદરીઓ–ફકીરો, એ બધા એક્ઝેટલી છે કોણ? જે હાથમાંથી રાખ કાઢે કે જાતજાતની ભવીષ્યવાણી કરે કે કરતબ દેખાડે એ? સાચુકલા ઈશ્વરને બદલે એમના એજંટોની આવી સ્પેશ્યલ ઈફેક્ટસ, અમને બીલકુલ સમજાતી નથી. બાવા હીન્દીમાં કહું તો– ‘અપુન કે જૈસે મામુલી લોગ, કીસી ‘ક્નફ્યુઝાત્મક કંડીશન’મેં ગોથાં ખાતા હૈ!’

આજકાલ સમાજમાં ફરીથી જાતજાતના બાવા–બાપુઓ સાચી કે ખોટી ચર્ચામાં છવાયા છે. વળી, ભોળાઓને બાવા–બાપુમાં પ્રભુ પાસે પહોંચવાની ‘વાટ’ દેખાતી હશે પણ નેતાઓને એમાં ‘વોટ’ દેખાય છે. નેતાઓને સંતોના સમર્થનથી કેવળ ‘મત’ જોઈતો હોય છે ને એટલે જ એ નેતાઓ આવું બધું ચાલવા દે છે.

કહે છે, શોધવાથી ભગવાન પણ મળી જાય છે પણ અમને તો રોડ પર મામુલી પાર્કીંગ નથી મળતું. દીલથી શોધવાથી દ્વારકાધીશ મળી શકે પણ અમને એક દરજીયે નથી મળતો જે રેડીમેડ કપડાંને સમારી આપે. પ્રાર્થનાથી પરમેશ્વર મળી શકે પણ પાક્કો પ્રુફ–રીડર નથી મળતો જે ગલતીભર્યું ગ્રામર સુધારી શકે. હૈયાની હાકથી કૃષ્ણ–ગોપાલ મળી શકે પણ ઘરના બાલગોપાલે ટી.વી.નું રીમોટ છુપાવ્યું હોય તો એય મળતું નથી. ખોજવાથી અલ્લાહ મળી શકે છે લેકીન અમદાવાદ–મુમ્બઈની ટ્રેનનું રીઝર્વેશન નથી મળતું… છતાંયે આપણી પ્રજાને ખરા ભગવાનને બદલે ઠેરઠેર બાબા–ભુવા–ફકીરો–મૌલાઓ હોલસેલમાં મળતા જ રહે છે.

ઈન્ટરવલ
મોકો કહાઁ ઢુંઢે બંદે, મૈં તો તેરે પાસ મેં.
કબીરજી

અફકોર્સ, અહીં સ્વામી વીવેકાનંદ, રૈદાસ, કબીર કે સંત જ્ઞાનેશ્વરની વાત નથી થઈ રહી; પરન્તુ લોકો જે રીતે બાવા–બાપુઓના ચમત્કારોની વકીલાત કરે છે ત્યારે દીમાગ દીવાળીની ચકરીની જેમ ચકરાઈ જાય. વળી, અમારા જેવાને પુરેપુરા ધર્મગ્રંથો કે ખરેખરા પરમાત્મા સમજાયા નથી એમાં બાબાઓના ચમત્કારોને સમજવા એ ઈન્કમટેક્સ–રીર્ટનનાં ફોર્મ ભરવા જેવું અઘરું લાગે છે. મરાઠી લેખકકલાકાર પુ. લ. દેશપાંડેએ પાખંડી બાવાઓ માટે અદ્ભુત શબ્દ વાપરેલો : ‘ધ.ધુ.પ.પુ.’: ‘ધર્મ–ધુરંધર–પરમ–પુજ્ય!’ સવાલ એ છે કે આપણને ધ.ધુ.પ.પુ.ઓની જરુર કેમ પડે છે?

એકવાર પાકીસ્તાનમાં જુલ્મી નેતા ઝુલ્ફીકારઅલી ભુટ્ટોએ ભારત વીશે બહુ ઘટીયા કોમેન્ટ કરેલી કે ‘આપણે હીન્દુસ્તાનીઓને 600 વર્ષ સભ્ય બનવાની ટ્રેઈનીંગ આપી પણ એ લોકો સુધર્યાં જ નહીં!’ ત્યારે હીન્દીના વ્યંગ–લેખક હરીશંકર પરસાઈએ સામે કહેલું, ‘યે સુન કે મુઝે શક હુઆ કી ઈસ જનાબ કો હાઈ સ્કુલ કી પઢાઈ છુડવા કે કીસીને ઉન્હેં સીધા વીદેશમંત્રી બના દીયા હૈ કી ક્યા?’ એ જ રીતે આપણે ત્યાં હાઈ સ્કુલની ‘પઢાઈ’ છોડીને તરત ‘લીખાઈ’ પર ચઢી ગયેલાઓ, પાખંડી ભુવા–બાબાઓના ચમત્કારો માટે અતાર્કીક દલીલો કરે ત્યારે હસવું કે રડવું એ પુછવા ડાયરેક્ટ ઈશ્વરને ઈ.મેલ કરવો પડે! બાકી અમે કલાકારો તો નાત–જાત–ધર્મ બાજુએ મુકીને, સાથે મળીને દરરોજ નાટકના શો પહેલાં કે શુટીંગની શરુઆત પહેલાં નાળીયેર–પ્રસાદ ધરાવીને ગણેશજી કે રંગદેવતા નટરાજ અર્થાત્ શંકરજી સામે માથું નમાવીને કામનો આરંભ કરીએ છીએ. અહીં આ કોઈ ચોખવટ કે ડીસ્કલેમર નથી પણ નક્કર સાચી હકીકત છે. ઈન શોર્ટ, ખરા સંતો–મહાત્માઓ તો ઈશ્વરનો માર્ગ દેખાડે ને ઢોંગી ધુતારા બાવા–બાપુઓ જીવનના માર્ગ પરથી આપણને અન્ધશ્રદ્ધાના રસ્તે ભટકાવી મુકે. એક જમાનામાં સાચા સંતો–મહાત્માઓમાં ગજબની આંતરીક શક્તી હતી. જેમ કે– એક પ્રખર તપસ્વી ઋષી વનમાં રહેતા હતા. એમના તપનું બળ એવું કે તપસ્યા કરતી વખતે ઝાડ પરની કોઈ ચકલીએ એકવાર અવાજ કર્યો કે એમણે એમની લાલઘુમ આંખો દેખાડીને ચકલીને તરત જ ભસ્મ કરી નાખી! પછી એ ઋષી એકવાર ગામમાં કોઈ ઘર પાસે ભીક્ષા માગવા ગયા. ઘરમાં પતીવ્રતા સ્ત્રી, વર્ષોથી બીમાર પતીની સેવા કરી રહી હતી. એણે ઋષીને બે મીનીટ રોકાવા કહ્યું. ઋષીને ગુસ્સો આવ્યો, આંખો વડે સ્ત્રીને ભસ્મ કરવા માંડ્યા કે એ સ્ત્રી બોલી, ‘મહારાજ, હું જંગલની ચકલી નથી કે એમ ભસ્મ થઈને રાખ થઈ જાઉં! હું મારું કર્મ કરું છું! તો થોભો’… અને એ ઋષીનો અંહકાર પળમાં રાખ થઈ ગયો. અમને આવી ‘રાખ’વાળી વાતમાં વધુ રસ પડે છે કારણ કે એમાં પેલી સ્ત્રીના નીષ્કામ તપની શુદ્ધ રાખ છુપાયેલી છે. એ રાખ, જે કોઈ ધુતારાના જાદુની જેમ હાથમાંથી નીકળતી નથી પણ એમાં કેવળ કર્મની તાકાત છે.

ચલો, છેલ્લે વીવાદાસ્પદ વક્તાચીંતક રજનીશજીની શૈલીમાં કહીએ તો– તમારી અંદરના ઈશ્વરને વંદન કરીને હું વાત પુરી કરું છું!

એન્ડટાઈટલ્સ
આદમ : ચમત્કારમાં માને છે?
ઈવ : ના, પ્રેમમાં માનું છું!

–સંજય છેલ

દીવ્ય ભાસ્કર’ દૈનીક (તા. 31 મે, 2023)ની બુધવારીય ‘કળશ’ પુર્તીમાં પ્રગટ થતી એમની લોકપ્રીય કટાર ‘અંદાઝે બયાં’માંથી, લેખકશ્રીના અને ‘દીવ્ય ભાસ્કર’ના સૌજન્યથી સાભાર…

લેખક–સમ્પર્ક : શ્રી. સંજય છેલ ઈ.મેલ : sanjaychhel@gmail.com

નવી દૃષ્ટી, નવા વીચાર, નવું ચીન્તન ગમે છે? તેના પરીચયમાં રહેવા નીયમીત મારો રૅશનલ બ્લોગ https://govindmaru.com/ વાંચતા રહો. દર શુક્રવારે સવારે અને દર સોમવારે બપોરે. આમ, સપ્તાહમાં બે પોસ્ટ મુકાય છે. તમારી આતુરતા ને સમય નકામાં નહીં જાય તેની સતત કાળજી રાખીશ..

અક્ષરાંકન : ગોવીન્દ મારુ ઈ.મેલ : govindmaru@gmail.com

પોસ્ટ કર્યા તારીખ : 28/07/2023

4 Comments

  1. મુરબ્બી વડિલ શ્રી, આપનો “મોકો કહાં ઢુંઢે બંદે” આખો લેખ વાંચ્યો, લેખ ગમ્યો, પણ એક કડવી વાત કહું તો આપણે (કહેવાતાં?) રેશનાલીસ્ટો જો આપણે સ્વામી વિવેકાનંદ, રૈદાસ, કબીર કે સંત જ્ઞાનેશ્વર ને સ્વીકારતાં હોઈએ તો (કે જે સાચાં સંત હતાં જ) તો એક રેશનાલીસ્ટ ની રીતે એ પણ સ્વીકારવું જ પડે કે એમનાં નામે આવાં બાવા – બાપુઓ, ધ.ધુ. પ. પુ. ઓ નો રાફડો ફાટવા નો જ, કારણકે જેમ એક સાચા ગુલાબ હેઠળ અગણિત કાંટાઓ હોય, આંબા નાં ઝાડ પર કેરી કરતાં પાંદડાં વધારે જ રહેવાનાં. જરુર છે દરેક વ્યકિત એ વિચાર બુદ્ધિ / વિવેક બુદ્ધિ થી સત્ય પારખવું અને યોગ્ય નિર્ણય લેવો. બાકી તો હંમેશા લોભિયા વસે ત્યાં ધુતારાઓ ભૂખે ન મરે એમ સ્વાર્થી લોકો હોય ત્યાં આવાં બાવા – બાપુઓ, ધ.ધુ. પ. પુ. ઓનો રાફડો ફાટવાનો જ.

    Like

  2. લેખ ખુબ ગમ્યો. સરસ હાસ્યરસ સાથે અંધશ્રદ્ધા પર ભારે ચોટ. આ લેખનો પરીચય કરાવવા બદલ ગોવીન્દભાઈ આપનો તથા એના લેખક ભાઈ શ્રી સંજય છેલનો હાર્દીક આભાર.

    Liked by 1 person

  3. અત્યારે જગત માં ચારે તરફ અને દરેક ધર્મ માં દુષણ ફેલાયેલા છે. એ સત્ય છે કે અત્યારે જગત માં દરેક ધર્મ માં ઈશ્વર, અલ્લાહ, ગોડ ના બની બેઠેલા એજન્ટો અસ્તિત્તવ ધરાવે છે, અને ધર્મ ના નામે પોતાની શાખ, શક્તિ કે દબદબો કાયમ રાખેલ છે, અને ભોળા શ્રદ્ધાળુઓ ના પૈસે તાગડધિન્ના કરે છે. આ મલિન કાર્ય દરેક ધર્મ માં ફેલાય ગયેલ છે, જેમાં ભોળા શ્રધ્ધ્ધાળુઓ નો ફાળો સૌ થી વધારે છે કે તેઓ ધર્મ ને સમજ્યા વિના આંધળું અનુકરણ કરી ને આ બની બેઠેલા ઈશ્વર, અલ્લાહ, ગોડ ના દુનિયા ના લેભાગુ એજન્ટો પર આંધળો વિશ્વાસ કરે છે અને આ રીતે આ લેભાગુ એજન્ટો ની ઘી કેળા ની મોજ ચાલુ જ રહે છે.

    મંદિરો, મસ્જિદો, ચર્ચ, સમાધિઓ, દરગાહો વગેરે મફત ના અને હરામ ના પૈસા કમાવવા ના સાધનો બની ગયેલ છે, અને એક રીતસર નો ધંધો બની ગયેલ છે. પુજારીઓ, મુજાવરો, પાસ્ટરો વગેરે માટે આ જિંદગી ભર ની કમાણી બની ગયેલ છે.

    ઇસ્લામ ધર્મ માં ફેલાયેલા આ દુષણ વિષે એક મુસ્લિમ તરીકે આ વિષે મેં ઘણી વાર કેનેડા ના અંગ્રેજી તથા ઉર્દુ ના અખબારો માં લેખ Allah’s Agents on Earth ( પૃથવી પર ના અલ્લાહ ના એજન્ટો થી સાવધાન ) લખેલ છે ગુજરાતી માં આ લેખ શ્રી બિપિન શ્રોફ ના વૈશ્વિક માનવવાદ તથા કરાચી ના અખબાર માં પણ પ્રગટ થયેલ છે.

    ખરી રીતે જોતા આ રોગ જગત માં ચારે તરફ અને ત્રણ મુખ્ય ધર્મો માં દાવાનળ ની જેમ ફેલાયેલ છે આપણી નજીવી કોશિશો થી કદાચ આવા પાખંડો તદ્દન બંધ ન થાય.

    Liked by 2 people

  4.  મોકો કહા ઢુંઢે રે બંદે,મે તો તેરે પાસ મેં
     ના તિરથ મેં ના મુરત મેંના એકાંત નિવાસ મેં
    ના મંદિર મેં ના મસ્જીદ મેંના કાશી કૈલાસ મેં 
    ના મેં જપ મેં ના મૈ તપ મેંના બરત ઉપવાસી મેં
    ના મૈ કિરીયા કરમ મેં રહતાનહી યોગ સન્યાસ મેં
     ખોજી હોય તુરત મિલ જાઉંએક પલ કી તલાશ મેં‘
    કહત કબીર’ સુનો ભાઈ સાધોમૈં તો હું વિશ્વાસ મેં એમ આદિકાળથી કહેવાતું આવ્યુ.શ્રધ્ધાઆંધશ્રધ્ધા ભેદ અંગે વારંવાર ધ્યાન દોરવું જરુરી છે.સાંપ્રત સમયે ઘણો ફેર છે છતા ફરી યાદ અપાવવા બદલ આભાર

    Liked by 2 people

Leave a comment